(Source: ECI/ABP News/ABP Majha)
HDFC બાદ ICICI બેંકે પણ શરૂ કરી આ ખાસ સર્વિસ, કેશ ઉપાડવા કે પિન ચેન્જ કરવા નહીં જવું પડે બેંકમાં
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. ત્યારે લોકો ઘરમાં જ રહે અને કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે બેંકો દ્વારા આ વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાં પણ લોકોની જિંદગી સામાન્ય રીતે ચાલતી રહે તે માટે સતત કોશિશ કરવામાં આવી રહી છે. આ સંદર્ભે ICICI બેંકે નવી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. બેંકે દેશના કેટલાક શહેરોમાં મોબાઈલ એટીએમ વાનની શરૂઆત કરી છે. આ સુવિધા હેઠળ ગ્રાહકોને કેશ ઉપાડવા માટે પોતાના વિસ્તારના ATMમાં જવાની જરૂર નહી પડે.
બેંકે આ ખાસ સર્વિસ શરૂ કરતાં જણાવ્યું, આ ATM વેન કેટલાક ખાસ વિસ્તારમાં અને ગલીઓમાં ઉભી રહેશે. વેન ATM ની સુવિધા સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી મળશે. એટીએમમાં કરવામાં આવતા તમામ કામો જેવાકે બેલેન્સ ચેક, પિન ચેન્જ, ફન્ડ ટ્રાન્સફર, મોબાઈલ રિચાર્જ, કાર્ડલેસ કેશ વિડ્રો વગેરે મોબાઇલ ATM થી થઈ શકશે.
ICICI બેંક પહેલા HDFC બેંકે મોબાઇલ ATMની સુવિધા આપવાનું શરૂ કર્યુ હતું. HDFC એ બેંક ATM ને કોઇ નક્કી સ્થાન પર નક્કી સમય સુધી રાખીને આ સુવિધા આપશે. આ સમય દરમિયાન HDFC ની ATM વેન સવારે 10 વાગ્યાથી લઇને સાંજે 5 વાગ્યા સુધી 3-5 જગ્યાઓ પર રહેશે.
લોકો ઘરમાં જ રહે અને કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે બેંકો દ્વારા આ વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં સતત વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોનાથી 7447 લોકો સંક્રમિત થયા છે. આ વાયરસે 239 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 642 લોકો તેમાંથી સાજા થઈ ગયા છે.