Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત
સરકાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) હેઠળ વ્યકિત દ્વારા મર્ચન્ટને કરાયેલા ડિજિટલ પેમેન્ટ પર લાદવામાં આવેલા ટ્રાન્ઝેકશન ચાર્જીસ ભરપાઇ કરી દેશે.
Digital Transaction: ડિજિટલ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપવા મોદી સરકારે મોટો ફેંસલો લીધો છે. બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કબિનેટ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે યુપીઆઇ અને રુપે ડેબિટ કાર્ડ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેકશનને વેગ આપવા માટે ૧૩૦૦ કરોડ રૂપિયાની ઇન્સેન્ટીવ સ્કીમને મંજૂરી આપી છે તેમ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક નિવેદનમાં જણાવ્યું છે.
સરકાર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ(એમડીઆર) હેઠળ વ્યકિત દ્વારા મર્ચન્ટને કરાયેલા ડિજિટલ પેમેન્ટ પર લાદવામાં આવેલા ટ્રાન્ઝેકશન ચાર્જીસ ભરપાઇ કરી દેશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં સરકાર ૧૩૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેથી વધુને વધુ લોકો ડિજિટલ પેમેન્ટ કરવા પ્રેરાય.નવેમ્બરમાં ૭.૫૬ લાખ કરોડ રૂપિયાના ૪૨૩ કરોડ ડિજિટલ ટ્રાન્ઝેકશન કરવામાં આવ્યા હતાં. કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ સ્કીમ હેઠળ રુપે ડેબિટ કાર્ડ અને ભીમ યુપીઆઇ હેઠળ ૨૦૦૦ રૂપિયા સુધીના ડિજિટલ ટ્રાન્ઝેક્શન આવરી લેવામાં આવશે.
સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ સ્કીમ હેઠળ એક્વાયરિંગ બેંકોને રુપે ડેબિટ કાર્ડ અને ભીમ યુપીઆઇ દ્વારા કરાયેલા ઓછા મૂલ્યના ટ્રાન્ઝેકશનના લેવડ દેવડના મૂલ્ય(પીટુએમ)ના અમુક ટકાની ચુકવણી પ્રોત્સાહિત કરવામાં આવશે.આ યોજનાનો અમલ એક એપ્રિલ, ૨૦૨૧થી એક વર્ષ માટે કરવામાં આવશે. આ યોજના એક્વાયરિંગ બેંકોને મજબૂત ડિજિટલ ચુકવણી ઇકો સિસ્ટમના નિર્માણમાં મદદ કરશે.
તાજેતરમાં, વડા પ્રધાને કહ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે દેશમાં મોબાઇલ પેમેન્ટ્સ ગયા વર્ષે ATM રોકડ ઉપાડના આંકડાને પાર કરી ગયા છે. તેમણે કહ્યું કે કોઈપણ બેંક શાખા વિના સંપૂર્ણ ડિજિટલ બેંકો હવે દેશમાં વાસ્તવિકતા બની ગઈ છે અને આગામી 10 વર્ષમાં તે સામાન્ય બાબત બની જશે.
2014 પહેલા, 50 ટકાથી ઓછા લોકો પાસે બેંક ખાતા હતા, પરંતુ સાત વર્ષમાં 43 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા અને તમામ બેંક ખાતા સાથે લિંક કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 69 કરોડ રુપે કાર્ડ જારી કરવામાં આવ્યા છે, જેના પર ગયા વર્ષે 1.3 અબજ વ્યવહારો થયા હતા. ગયા મહિને UPI દ્વારા 4.2 બિલિયન ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયા કરવામાં આવી હતી.