Legal Age of Marriage for Women: મોદી સરકારે લીધો મોટો ફેંસલો, મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો વિગત
Marriage Age for Women: બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર 2020 માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છ.
નવી દિલ્હીઃ બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કબિનેટ બેઠકમાં અનેક મહત્વના ફેંસલા લેવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન આ જાહેરાત કર્યાના એક વર્ષ પછી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય 18 થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને પરિણામે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ મેરેજ એક્ટ 1955 જેવા વ્યક્તિગત કાયદાઓમાં સુધારા લાવશે.
બુધવારે આપવામાં આવેલી મંજૂરીઓ ડિસેમ્બર 2020 માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છ. જેનું ગઠન 'માતૃત્વ-સંબંધિત બાબતોની ઉંમર, માતા મૃત્યુ દર ઘટાડવાની જરૂર, પોષણમાં સુધારો કરવાની જરૂર જેવા મામલાની તપાસ માટે કરવામાં આવી હતી.
અખબાર અનુસાર, જેટલીએ કહ્યું, 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલામણ પાછળનો અમારો તર્ક ક્યારેય વસ્તી નિયંત્રણનો નહોતો. NFHS 5 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના ડેટા પહેલાથી જ દર્શાવે છે કે કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આ મહિલા સશક્તિકરણનો વિચાર છે.
ભારતમાં પ્રથમ વખત કુલ પ્રજનન દર 2.0
NFHS 5 ડેટા અનુસાર, ભારતે પ્રથમ વખત 2.0 નો કુલ પ્રજનન દર હાંસલ કર્યો છે, જે 2.1 પર TFR ના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે છે. આ દર્શાવે છે કે આગામી વર્ષોમાં વસ્તી વિસ્ફોટની શક્યતા નથી. ડેટા એ પણ દર્શાવે છે કે બાળ લગ્નો 2015-16માં 27 ટકાથી ઘટીને 2019-21માં 23 ટકા થયા છે. જેટલીએ જણાવ્યું હતું કે ટાસ્ક ફોર્સની ભલામણ "નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ પછી અને વધુ મહત્ત્વની વાત એ છે કે યુવા વયસ્કો, ખાસ કરીને યુવતીઓ સાથે ચર્ચા કર્યા પછી આવી છે કારણ કે આ નિર્ણય તેમને સીધી અસર કરે છે".
જેટલીએ કહ્યું, “અમને 16 યુનિવર્સિટીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે અને યુવાનો સુધી પહોંચવા માટે 15 થી વધુ NGOને જોડવામાં આવ્યા છે. ગ્રામીણ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો અને તમામ ધર્મો અને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી એકસરખા પ્રતિસાદ લેવામાં આવ્યો હતો. અમને યુવા વયસ્કો તરફથી પ્રતિસાદ મળ્યો કે લગ્નની ઉંમર 22-23 વર્ષની હોવી જોઈએ. કેટલાક તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે, પરંતુ અમને સમજાયું કે તેમને કેટલાક જૂથો દ્વારા આવું કરવાની સૂચના આપવામાં આવી હતી.
ભલામણ શું છે?
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જૂન 2020 માં રચવામાં આવેલ ટાસ્ક ફોર્સમાં નીતિ આયોગના ડૉ. વીકે પોલ અને WCD, આરોગ્ય અને શિક્ષણ મંત્રાલયો અને વિધાન વિભાગના સચિવોનો પણ સમાવેશ થાય છે. તેણે ભલામણ કરી હતી કે નિર્ણયની સામાજિક સ્વીકૃતિને પ્રોત્સાહિત કરવા માટે એક વિશાળ જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે. તેણે દૂરના વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓના કિસ્સામાં પરિવહન સહિત કન્યાઓ માટે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની પણ માંગ કરી છે.
સમિતિએ વધુમાં ભલામણ કરી છે કે સેક્સ એજ્યુકેશનને ઔપચારિક બનાવવામાં આવે અને તેને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે. લગ્નયોગ્ય વયમાં વધારો લાગુ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે પોલિટેકનિક સંસ્થાઓમાં મહિલાઓની તાલીમ, કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમ અને આજીવિકા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત 'જો છોકરીઓ કહેશે કે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર છે, તો માતાપિતા તેમના વહેલા લગ્ન કરતાં પહેલાં બે વાર વિચારશે તેવી પણ ભલામણ કરી છે.
હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 5 (iii) કન્યા માટે 18 વર્ષ અને વર માટે 21 વર્ષ લઘુત્તમ વય નિર્ધારિત કરે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અને પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, 2006 પણ મહિલાઓ અને પુરુષો માટે લગ્ન માટે સંમતિની લઘુત્તમ ઉંમર અનુક્રમે 18 અને 21 વર્ષ નક્કી કરે છે.