Elon Musk Interview: શું રોબોટ્સ તમારી નોકરી ખાઈ જશે? મસ્કનો મોટો દાવો - "આગામી સમયમાં કામ કરવું માત્ર એક 'શોખ' બની જશે"
Elon Musk statement: અમેરિકાની પ્રગતિમાં ભારતીયોનો સિંહફાળો, સ્ટારલિંક અને ઘટતી વસ્તી પર ટેસ્લાના સીઈઓ એ કરી ખુલ્લા મને વાત.

Elon Musk statement: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને વિઝનરી એલોન મસ્કે ભારતીય ટ્રેડિંગ પ્લેટફોર્મ Zerodha ના સ્થાપક નિખિલ કામત સાથેના એક ખાસ પોડકાસ્ટમાં ભવિષ્યની દુનિયાનું ચિત્ર રજૂ કર્યું છે. આ ઇન્ટરવ્યુમાં મસ્કે દાવો કર્યો છે કે આગામી 10 થી 20 વર્ષમાં Artificial Intelligence (AI) એટલું શક્તિશાળી બની જશે કે મનુષ્યો માટે કામ કરવું ફરજિયાત રહેશે નહીં, તે માત્ર એક વિકલ્પ બની રહેશે. આ ઉપરાંત, તેમણે અમેરિકાના વિકાસમાં ભારતીય પ્રતિભાના યોગદાનની ભરપેટ પ્રશંસા કરી હતી અને સ્ટારલિંક ઇન્ટરનેટ ભારત માટે કેવી રીતે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, તેના પર પ્રકાશ પાડ્યો હતો.
AI અને રોબોટિક્સ: શું કામ કરવું ભૂતકાળ બની જશે?
એલોન મસ્કની આગાહી મુજબ, ટેકનોલોજીની ઝડપી પ્રગતિ મનુષ્યના જીવનને ધરમૂળથી બદલી નાખશે. તેમણે જણાવ્યું કે AI અને રોબોટિક્સ એક 'સુપરસોનિક સુનામી'ની જેમ આગળ વધી રહ્યા છે. આગામી 20 વર્ષોમાં ઉત્પાદકતા એટલી વધી જશે કે રોબોટ્સ અને મશીનો મનુષ્યની મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરશે.
કામ એક 'શોખ': મસ્કના મતે, ભવિષ્યમાં નોકરી કરવી એ જીવન ટકાવી રાખવા માટેની મજબૂરી નહીં, પરંતુ એક શોખ (Hobby) બની જશે. જે લોકોને કામ કરવામાં આનંદ આવે છે, તેઓ જ કામ કરશે.
અર્થતંત્ર: AI સંચાલિત અર્થવ્યવસ્થામાં માલસામાન અને સેવાઓનું ઉત્પાદન એટલું વધશે કે વસ્તુઓની કિંમતો ઘટશે અને નાણાંના પુરવઠા કરતાં ઉત્પાદન વધી જશે.
ભારતીય પ્રતિભા અને H 1B વિઝા પર મસ્કનો મત
અમેરિકાની પ્રગતિમાં ભારતીયોની ભૂમિકા વિશે વાત કરતા મસ્કે કહ્યું કે, અમેરિકાએ ભારતીય પ્રતિભા (Talent) નો ભરપૂર લાભ લીધો છે. તેમણે Microsoft ના સત્ય નડેલા અને Google ના સુંદર પિચાઈ જેવા દિગ્ગજોના ઉદાહરણ આપીને કહ્યું કે સ્માર્ટ ભારતીયોએ અમેરિકાને ઘણો ફાયદો કરાવ્યો છે. જોકે, તેમણે સ્વીકાર્યું કે H 1B વિઝાને લગતી રાજનીતિ અને ભૂતકાળની ઢીલી નીતિઓને કારણે હાલમાં કાયદેસરના ઇમિગ્રેશન સામે પણ વિરોધ જોવા મળી રહ્યો છે.
સ્ટારલિંક: ભારત માટે કેમ મહત્વનું?
ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિશે પૂછવામાં આવતા મસ્કે સ્ટારલિંકના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમજાવ્યું કે સ્ટારલિંક 550 કિલોમીટરની નીચી ભ્રમણકક્ષામાં રહેલા હજારો ઉપગ્રહો દ્વારા ચાલે છે, જે લેસર લિંકથી જોડાયેલા છે. ભારત જેવા દેશમાં જ્યાં 70% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં અથવા નાના શહેરોમાં રહે છે અને જ્યાં બ્રોડબેન્ડ ફાઈબર પહોંચાડવું મુશ્કેલ છે, ત્યાં સ્ટારલિંક ક્રાંતિ લાવી શકે છે. મસ્કે ભારતને સ્ટારલિંક માટે મહત્વપૂર્ણ બજાર ગણાવ્યું છે.
પૈસાનું ભવિષ્ય અને ઘટતો જન્મ દર
એક રસપ્રદ જવાબમાં મસ્કે કહ્યું કે જ્યારે AI દરેક જરૂરિયાત પૂરી કરશે, ત્યારે પરંપરાગત નાણાં (Money) નો અર્થ બદલાઈ જશે. ભવિષ્યમાં 'ઊર્જા' (Energy) એ જ વાસ્તવિક ચલણ બની રહેશે. બીજી તરફ, મસ્કે ઘટતા જન્મ દરને માનવ સભ્યતા માટે મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે જો વસ્તી ઘટતી રહેશે, તો ભવિષ્યમાં માનવ ચેતના અને બ્રહ્માંડને સમજવાની આપણી ક્ષમતા લુપ્ત થઈ શકે છે. તેમણે પરંપરાગત કુટુંબ વ્યવસ્થાને પણ સમર્થન આપ્યું હતું.
યુવા ઉદ્યોગસાહસિકોને સલાહ
ભારતના યુવા સાહસિકો માટે મસ્કે એક સાદો પણ સચોટ સંદેશ આપ્યો: "ઉપયોગી વસ્તુઓ બનાવો." તેમણે કહ્યું કે માત્ર પૈસા પાછળ દોડવાને બદલે સમાજ માટે મૂલ્ય (Value) ઉભું કરો, પૈસા આપોઆપ આવશે. નિષ્ફળતાથી ડર્યા વિના જોખમ લેવાની તેમણે સલાહ આપી હતી.





















