Gautam Adani Net Worth: ગૌતમ અદાણીએ લગાવી છલાંગ, ધનકુબેરોની ટોપ-20 લિસ્ટમાં વાપસી, જાણો કેટલી વધી સંપત્તિ ?
Gautam Adani Net Worth: છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 2.92 બિલિયન ડોલર એટલે કે લગભગ 24,268 કરોડ રૂપિયાનો વધારો થયો છે
Gautam Adani Net Worth: ભારતીય ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં અચાનક ઉછાળો આવ્યો છે. આ કારણે તે ફરી એકવાર વિશ્વના ટોપ-20 અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની નેટવર્થમાં 2.92 બિલિયન ડોલર એટલે કે લગભગ 24,268 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
ગૌતમ અદાણી આટલી સંપત્તિના માલિક છે
ગૌતમ અદાણીની નેટવર્થમાં અચાનક રૂ. 24,000 કરોડથી વધુના ઉછાળાને કારણે તેઓ હવે વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં 20મા સ્થાને આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તાજેતરના વધારા પછી તેમની નેટવર્થ વધીને 63.8 બિલિયન ડોલર થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં અદાણીની લિસ્ટેડ 10 કંપનીઓના શેરો લીલા નિશાન પર બંધ થયા હતા. શેરોમાં થયેલા વધારાને કારણે અદાણી ગ્રુપની માર્કેટ મૂડી પણ 11 લાખ કરોડને વટાવી ગઈ છે.
હિંડનબર્ગની અસર ઘટી!
આ વર્ષની શરૂઆતમાં અમેરિકન શોર્ટ સેલ ફર્મ હિંડનબર્ગનો અહેવાલ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપનું માર્કેટ કેપ નીચે આવ્યું હતું. હિંડનબર્ગના અહેવાલ પછી જૂથે પ્રથમ વખત માર્કેટ કેપનો આ આંકડો પાર કર્યો છે. નોંધનીય છે કે ગૌતમ અદાણીના જૂથ પર શેરમાં હેરાફેરી અને દેવા સહિત 88 ગંભીર સવાલો ઉઠાવતો અહેવાલ હિંડનબર્ગ દ્વારા 24 જાન્યુઆરી, 2023 ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર એટલી વિપરીત અસર કરી કે અદાણી સ્ટોક્સમાં ભારે ઘટાડો થયો હતો.
એક રિપોર્ટને કારણે મોટું નુકસાન થયું હતું
હિંડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ તરત જ અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેર તૂટતા ગયા. કેટલાક શેરોમાં 80 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. જો કે છેલ્લા બે મહિનામાં અદાણીના શેરમાં ફરી તેજી જોવા મળી રહી છે. ગયા વર્ષ 2022માં જ્યાં ગૌતમ અદાણીનું નામ સૌથી વધુ કમાણી કરનાર અબજોપતિ તરીકે ચમક્યું હતું અને તે ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયા હતા. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ બે મહિનામાં તે ટોપ-30માંથી બહાર થઈ ગયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં અદાણીની સંપત્તિમાં 56.7 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.