Gold Price: કોરોનાના કોહરામની વચ્ચે શું ફરી સોનાના ભાવ 50 હજાર રૂપિયાને પાર કરશે ?
છેલ્લા ઘણાં દિવસથી સોનામાં ઘટાડા બાદ સોનામાં પાંચ ટકાથી વધારેની તેજી જોવા મળી છે અને દેશમાં સોનું ફરી એક વખત 46-47 હજાર પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો ખતરો ફરી એક વખત વધી રહ્યો છે. ત્યારે રોકાણકારો ફરી સુરક્ષિત રોકાણ ગણાતા એવા સોના-ચાંદી તરફ વળ્યા છે. જેના કારણે વિતેલા કેટલાક દિવસોમાં સોનાની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સોનાની કિંમત વિતેલા ઘણાં દિવસથી ઘટ્યા બાદ તેની કિંમત ફરી એક વખત વધી રહી છે. જ્યારે હવે સવાલ એ છે કે શું સોનાની કિંમત ફરી એક વખત 50 હજાર પ્રતિ દસ ગ્રામને પાર જશે ?
છેલ્લા ઘણાં દિવસથી સોનામાં ઘટાડા બાદ સોનામાં પાંચ ટકાથી વધારેની તેજી જોવા મળી છે અને દેશમાં સોનું ફરી એક વખત 46-47 હજાર પ્રતિ 10 ગ્રામના ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, સોનામાં તેજી માટે અનેક કારણો જવાબદાર છે અને તેના લીધે જ આવનારા દિવસોમાં પણ સોનાના ભાવમાં ઉછાળા સાથે તેજી જળવાઈ રહે તેવા સંકેત છે.
અર્થવ્યવસ્થાને લઈને ચિંતા
વિતેલા વર્ષે કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થાને લઈને ચિંતા હજુ પણ છે. ત્યાર બાદ વિશ્વભરના અનેક દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. જોકે ત્યારે પણ સોનાની ચકમ ફીકી પડી ન હતી અને સોનાના ભાવ સતત નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. હવે એક વખત ફરી કોરોનાને કહેર જોવા મળી રહ્યો છે. જેના કારણે રોકાણકારો ફરીથી સોના તરફ વળ્યા છે. સોનું ફરી એક વખત સુરક્ષિત રોકાણ તરીકે સામે આવ્યું છે. કપરી સ્થિતિમાં લોકો હેજિંગ માટે પણ સોનામાં રોકાણ કરતા હોય છે.
વૈશ્વિક બજાર પર નજર કરે તો સોનું 1750 ડોલર પ્રતિ ઔંસની મજબૂત સપાટી પાર કરી ગયું છે. જાણકારોનું માનીએ તો ટૂંકમાં જ તે 1780 ડોલર પ્રતિ ઔંસથી 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ જઈ શકે છે. એવામાં ઘરેલુ સ્તર પર સોનું ટૂંકમાં જ 50 હજાર પ્રતિ દસ ગ્રામની સપાટીને પાર કરી શકે છે.