HDFC બેન્કે પોતાના ગ્રાહકોને આપી દિવાળીની ગિફ્ટ, FD પરના વ્યાજદરમાં કેટલો કર્યો વધારો
HDFC બેંકે લગભગ 2 મહિના પછી FDના દરમાં વધારો કર્યો છે
નવી દિલ્હી: ફિક્સ ડિપોઝિટમાં પૈસા રાખવા એ હંમેશા લોકોની પસંદગીનું રોકાણ રહ્યું છે. મૂડીને સુરક્ષિત રાખવા અને વધુ સારું વળતર મેળવવા માટે આ એક સારો વિકલ્પ છે. આમાં પૈસા જમા કરાવવા પર તમને ચોક્કસ સમયગાળા પછી ખાતરીપૂર્વક રિટર્ન મળે છે.ખાનગી ક્ષેત્રની HDFC બેંકે પોતાના ગ્રાહકોને દિવાળીની ભેટ આપી છે. વાસ્તવમાં HDFC એ બે કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે.
HDFC બેંકે લગભગ 2 મહિના પછી FDના દરમાં વધારો કર્યો છે. બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.75 ટકા સુધીનો વધારો કર્યો છે. આ વધારા પછી તમને તમારા જમા કરેલા નાણાં પર 75 બેસિસ પોઈન્ટ્સ સુધી વધુ વ્યાજ મળશે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, નવા દરો 11 ઓક્ટોબરથી લાગુ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે HDFC બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી FD પર વ્યાજ દરમાં આ વધારો કર્યો છે.
જાણો, હવે કોને કેટલું વ્યાજ મળશે?
HDFC બેંક હવે 7 દિવસથી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ફિક્સ્ડ ડિપોઝિટ કરનારા રોકાણકારોને 3 થી 6 ટકા વચ્ચે વ્યાજ ચૂકવશે. જ્યારે વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દર 3.50 ટકાથી 6.75 ટકા હશે. HDFC બેંકની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બેંકે 7 દિવસથી 29 દિવસના સમયગાળા માટે વ્યાજ દરોમાં 0.25 ટકાથી 3 ટકાનો વધારો કર્યો છે. 30 દિવસથી 60 દિવસની મુદતવાળી FD પર વ્યાજ દર 3.25 ટકાથી વધારીને 3.50 ટકા કરવામાં આવ્યો છે.
HDFC બેંક હવે 61 દિવસથી 89 દિવસના સમયગાળા માટે FD પર 4 ટકા વ્યાજ ચૂકવશે, જે અત્યાર સુધી 3.25 ટકા હતું. જ્યારે 90 દિવસથી 6 મહિનાની FD પર હવે રોકાણકારોને HDFC બેંક તરફથી 4.25 ટકા વ્યાજ મળશે, જે અત્યાર સુધી 3.7 ટકા હતું. HDFC બેંકે હવે એક વર્ષથી 2 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર વધારીને 5.50 ટકા કર્યો છે, જે અત્યાર સુધી 5.35 ટકા હતો. 2 વર્ષથી 3 વર્ષની મુદતવાળી FD પર વ્યાજ દર પહેલાની જેમ 5.50 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.
6.75 ટકા વ્યાજ દર મળશે
બેંકે 3 વર્ષથી 5 વર્ષ સુધીની FD પરના વ્યાજ દરમાં 0.40 ટકાનો વધારો કર્યો છે અને તેને 5.70 ટકાથી વધારીને 6.10 ટકા કર્યો છે. તેવી જ રીતે, 5 વર્ષથી 10 વર્ષ સુધીની મુદતવાળી FD પર વ્યાજ દર વધારીને 6.75 ટકા કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી 6 ટકા હતો.