1 જાન્યુઆરીથી ટીવી, રેફ્રિજરેટર, LPG સ્ટવ અને કૂલિંગ ટાવર પર સ્ટાર રેટિંગ ફરજિયાત - જાણો શું થશે અસર ?
BEE star rating 2026: સરકારે જાહેર કરેલા નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, હવેથી અનેક ઇલેક્ટ્રોનિક અને ઘરેલુ ઉપકરણોનું વેચાણ સ્ટાર રેટિંગ વગર થઈ શકશે નહીં.

Mandatory star rating: કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 જાન્યુઆરી, 2026થી રેફ્રિજરેટર, ટેલિવિઝન અને ગેસ સ્ટવ જેવા રોજિંદા વપરાશના ઉપકરણો માટે સ્ટાર રેટિંગ અનિવાર્ય કરવામાં આવ્યું છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ઊર્જા કાર્યક્ષમતા (Energy Efficiency) વધારવાનો અને ગ્રાહકોને વીજળીની બચત કરવામાં મદદ કરવાનો છે.
સ્ટાર રેટિંગના નવા નિયમોનું અમલીકરણ
સરકારે જાહેર કરેલા નવા ગેઝેટ નોટિફિકેશન મુજબ, હવેથી અનેક ઇલેક્ટ્રોનિક અને ઘરેલુ ઉપકરણોનું વેચાણ સ્ટાર રેટિંગ વગર થઈ શકશે નહીં. 1 જાન્યુઆરી, 2026થી જે ઉપકરણો માટે આ નિયમ ફરજિયાત બનાવવામાં આવ્યો છે તેમાં રેફ્રિજરેટર, ટેલિવિઝન (TV), LPG ગેસ સ્ટવ (LPG Gas Stoves) અને કૂલિંગ ટાવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ નિયમનો વ્યાપ વધારીને તેમાં હવે ડીપ ફ્રીઝર, ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર અને ગ્રીડ સાથે જોડાયેલા સોલર ઇન્વર્ટરને પણ આવરી લેવામાં આવ્યા છે. BEE દ્વારા ચલાવવામાં આવતો આ પ્રોગ્રામ ઊર્જા બચાવવા માટેની એક મુખ્ય પહેલ છે.
1 થી 5 સ્ટાર રેટિંગનો અર્થ શું છે?
BEE ના સ્ટાર રેટિંગ પ્રોગ્રામ (Star Rating Program) અંતર્ગત, કોઈપણ ઉપકરણને તેની વીજળી વપરાશની ક્ષમતાના આધારે 1 થી 5 સ્ટાર આપવામાં આવે છે.
વધુ સ્ટાર, વધુ બચત: જે ઉપકરણને સૌથી વધુ એટલે કે 5 સ્ટાર મળ્યા હોય, તે સૌથી વધુ ઊર્જા કાર્યક્ષમ ગણાય છે. એટલે કે, તે સૌથી ઓછી વીજળી વાપરે છે.
ઓછા સ્ટાર, વધુ ખર્ચ: જે ઉપકરણને માત્ર 1 સ્ટાર હોય, તે ઓછી કાર્યક્ષમતા ધરાવે છે અને વીજળીનો વપરાશ વધારે કરે છે. આ કારણોસર, નિષ્ણાતો ગ્રાહકોને હંમેશા વધુ સ્ટાર રેટિંગ ધરાવતાં ઘરેલુ ઉપકરણો (Home Appliances) ખરીદવાનો આગ્રહ રાખે છે, જેથી લાંબા ગાળે વીજળીના બિલમાં ફાયદો થાય.
સ્વૈચ્છિકથી ફરજિયાત તરફ પ્રયાણ
અગાઉના સમયમાં અમુક ઉપકરણો પર સ્ટાર રેટિંગ દર્શાવવું ઉત્પાદકો માટે મરજિયાત અથવા સ્વૈચ્છિક હતું. જેમાં ફ્રોસ્ટ-ફ્રી અને ડાયરેક્ટ-કૂલ રેફ્રિજરેટર્સ, વિવિધ પ્રકારના એર કંડિશનર્સ (જેમ કે કેસેટ, ટાવર, સીલિંગ અને કોર્નર AC), કલર ટીવી અને અલ્ટ્રા HD ટીવીનો સમાવેશ થતો હતો. પરંતુ હવે ઉર્જા બચતના લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે આ યાદી અપડેટ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ટેકનોલોજી બદલાવાની સાથે સમયાંતરે આ યાદીમાં સુધારા કરવામાં આવે છે.
લોકોના અભિપ્રાય બાદ લેવાયો નિર્ણય
આ નવા ફેરફારો રાતોરાત લાગુ કરવામાં આવ્યા નથી. જુલાઈ 2025માં આ અંગેના ડ્રાફ્ટ નિયમો જાહેર કરીને લોકો અને સંબંધિત પક્ષો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ જાહેર પ્રતિસાદ (Public Feedback) ને ધ્યાનમાં રાખીને જ અંતિમ ફેરફારો કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રૂમ AC, સીલિંગ ફેન, વોટર હીટર, વોશિંગ મશીન અને LED લેમ્પ માટે સ્ટાર રેટિંગના નિયમો પહેલેથી જ ફરજિયાત છે. હવે નવી કેટેગરી ઉમેરાવાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને વીજળી બચાવતા સાધનો પસંદ કરવામાં વધુ સરળતા રહેશે.





















