Jio World Convention Centre: નીતા અંબાણીએ લોન્ચ કર્યુ ભારતનું સૌથી મોટું કન્વેંશન સેન્ટર, જાણો શું છે ખાસિયત
Jio World Convention Centre: આ કન્વેંશન સેન્ટરમાં 2023ના ઈન્ટરનેશનલ ઓલંપિક કિમિટીની બેઠક મળશે. આ સેન્ટરની ડિઝાઈન પણ ખાસ છે.
Jio World Convention Centre: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરની શરૂઆત કરી છે. 'Jio વર્લ્ડ સેન્ટર' મુંબઈના બાંદ્રા કુર્લા વિસ્તારમાં 18.5 એકરમાં ફેલાયેલું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સેન્ટર પાછળ નીતા અંબાણીની વિચારસરણી જણાવવામાં આવી રહી છે. અહીં વર્ષ 2023માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની બેઠક યોજાવાની છે. સેન્ટરની ડિઝાઇન પણ ખાસ છે. જાણો શું છે તેની ખાસિયતો.
- જિયો વર્લ્ડ સેન્ટર 5 એકરમાં ફેલાયેલું છે
- 2 કન્વેંશન સેન્ટરમાં એક સાથે 10,640 લોકો બેસી શકે છે
- ત્રણ એક્ઝિબિશન હોલ 1 લાખ 61 હજાર ચોરસ ફૂટથી વધુમાં બનાવવામાં આવ્યા છે
- Jio વર્લ્ડ સેન્ટર 5G માટે તૈયાર છે
- 5 હજાર કાર પાર્કિંગ અને 18 હજાર ખાણી-પીણીની વ્યવસ્થા
- 3200 મહેમાનો માટે બોલરૂમ અને 25 મીટીંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે
Jio વર્લ્ડ સેન્ટર આપણા ગૌરવશાળી રાષ્ટ્ર માટે બીજી સિદ્ધિ છે - નીતા અંબાણી
સેન્ટર પર પોતાનું વિઝન શેર કરતાં નીતા અંબાણીએ કહ્યું, “જિયો વર્લ્ડ સેન્ટર એ આપણા ગૌરવશાળી રાષ્ટ્ર માટે બીજી સિદ્ધિ છે. તે નવા ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. સૌથી મોટા મેળાવડા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રીમિયમ રિટેલિંગ અને જમવાની સુવિધાઓથી સજ્જ, Jio વર્લ્ડ સેન્ટર મુંબઈના નવા સીમાચિહ્ન તરીકે જોવામાં આવશે. તે એક એવું કેન્દ્ર બનશે જ્યાં સાથે મળીને આપણે ભારતની વૃદ્ધિની વાર્તાનો આગામી પ્રકરણ લખીશું."
'Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર' વાસ્તવમાં Jio વર્લ્ડ સેન્ટરનો એક ભાગ છે. ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને મ્યુઝિકલ 'ફાઉન્ટેન ઑફ જોય' તેના પ્રારંભિક તબક્કામાં જ ખોલવામાં આવ્યા છે. મુંબઈના પ્રીમિયમ રિટેલ ડેસ્ટિનેશન Jio World Driveનું પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. કન્વેન્શન સેન્ટર સિવાય સર્વિસ્ડ એપાર્ટમેન્ટ્સ અને ઑફિસો સાથે સાંસ્કૃતિક કેન્દ્ર, મ્યુઝિકલ ફાઉન્ટેન, છૂટક દુકાનો, કાફે અને રેસ્ટોરન્ટ ધરાવતું તે ભારતમાં આ પ્રકારનું પ્રથમ કન્વેંશન સેન્ટર છે.
ધીરુભાઈ અંબાણી સ્ક્વેર પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયું
Jio વર્લ્ડ સેન્ટરનું આકર્ષણ ધીરુભાઈ અંબાણી સ્ક્વેર પણ સામાન્ય લોકો અને પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું છે. અહીં સામાન્ય લોકોને ફ્રી એન્ટ્રી મળશે, ફ્રી પાસ dhirubhaiambanisquare.com પરથી બુક કરી શકાય છે. તેઓ ફાઉન્ટેન ઑફ જોયનું મ્યુઝિકલ પર્ફોર્મન્સ પણ જોઈ શકશે, જે પાણીના ફુવારા, લાઇટ અને મ્યુઝિકનું અદ્ભુત સંયોજન છે. તેમાં આઠ ફાયર શૂટર્સ, 392 વોટર જેટ અને 600થી વધુ એલઈડી લાઈટો છે, જે સંગીતની ધૂન સાથે ચાલે છે.
કાર્યક્રમની શરૂઆત શિક્ષકોના સન્માનથી કરવામાં આવી હતી. ફાઉન્ટેન ઓફ જોયને સમર્પિત કરતાં નીતા અંબાણીએ કહ્યું, "અત્યંત આનંદ અને ગર્વ સાથે, અમે ધીરુભાઈ અંબાણી સ્ક્વેર અને વર્લ્ડ ક્લાસ ફાઉન્ટેન ઑફ જોયને મુંબઈના લોકો અને શહેરને સમર્પિત કરીએ છીએ. તે એક પ્રખ્યાત નવી જાહેર જગ્યા હશે, જ્યાં લોકો ખુશીઓ વહેંચશે અને આમચી મુંબઈના રંગો અને તરંગોમાં ડૂબી જશે. ઉદ્ઘાટન સમયે શિક્ષકોને વિશેષ સન્માન આપતા મને આનંદ થાય છે. હું પોતે એક શિક્ષક હોવાના કારણે, આ પડકારજનક સમયમાં અથાક મહેનત કરવા અને જ્ઞાનની જ્યોત પ્રજ્વલિત રાખવા બદલ હું મારા શિક્ષકોનો આભાર માનું છું. અમારો શ્રદ્ધાંજલિ શો આ અસલી હીરો માટે છે."