Layoff News: હવે ચિપ બનાવનારી દિગ્ગજ કંપનીએ કરી છટણીની જાહેરાત, આટલા કર્મચારીઓને કંપનીમાંથી છૂટા કરી દેવાશે
ઇન્ટેલે કહ્યું કે તે કંપનીની કામગીરી અને વ્યૂહરચનામાં શક્ય તેટલી વહેલી તકે ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે
Intel Layoffs 2023: વૈશ્વિક મંદીએ ઘણી મોટી કંપનીઓના કર્મચારીઓને ફટકો આપ્યો છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, ટ્વિટર, મેટા, અમેઝોન વગેરે જેવી ઘણી મોટી કંપનીઓએ કેટલાક તબક્કામાં છટણી કરી છે. આ સાથે સ્ટાર્ટઅપ કંપનીઓએ પણ ભંડોળના અભાવે કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. હવે આ યાદીમાં ચિપ બનાવતી દિગ્ગજ કંપની ઈન્ટેલનું નામ પણ જોડાઈ ગયું છે. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, કંપનીએ તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવાના સમાચારની પુષ્ટી કરી છે, પરંતુ હજુ સુધી છટણી કરવામાં આવનારા કર્મચારીઓની કુલ સંખ્યાનો ખુલાસો કર્યો નથી.
કંપની શા માટે છટણી કરી રહી છે
ઇન્ટેલનો છટણીનો નિર્ણય વૈશ્વિક પરિસ્થિતિના કારણે લેવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટેકમાં છટણીથી ઇન્ટેલને પણ અસર થઈ છે, આ સ્થિતિમાં કંપનીએ તેના કર્મચારીઓને ઘટાડવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટેલે કહ્યું કે તે કંપનીની કામગીરી અને વ્યૂહરચનામાં શક્ય તેટલી વહેલી તકે ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને તે આ બદલાતી નાણાકીય પરિસ્થિતિને અનુરૂપ બની શકે. આ સાથે કંપનીના અધિકારીએ એમ પણ કહ્યું કે અમે અમારા ખર્ચમાં ઘટાડો કરીને અમારી કાર્ય ક્ષમતા વધારવા માંગીએ છીએ. આવી સ્થિતિમાં અમે અલગ-અલગ વિભાગોમાં છટણીનું આયોજન કરી રહ્યા છીએ.
આ વિભાગોના કર્મચારીઓ છટણીનો ભોગ બનશે
ઇન્ટેલની આ છટણીથી વિવિધ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને અસર કરશે. સેમિકન્ડક્ટર નિર્માતા તેના ક્લાયન્ટ કમ્પ્યુટિંગ અને ડેટા સેન્ટર વિભાગના 20 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી શકે છે. કંપની દ્વારા ડેટા સેન્ટર ડિવિઝનને તેના કુલ ખર્ચમાં 10 ટકા સુધીનો ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં આ નિર્ણય બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કંપની કુલ કર્મચારીઓમાંથી 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
ગત વર્ષે 500 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા
ગયા ઓક્ટોબરમાં ઇન્ટેલે તેના ખર્ચમાં 3 બિલિયન ડોલરનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે, કંપનીએ કેલિફોર્નિયામાં 500 થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. આ માહિતી રાજ્ય ટાસ્ક ફોર્સ એજન્સીઓ અને ફાઇલિંગ દ્વારા આપવામાં આવી હતી. ઇન્ટેલ ઉપરાંત, માઇક્રોસોફ્ટની માલિકીની કંપની LinkedIn એ પણ છટણીની જાહેરાત કરી છે. કંપની કુલ 716 કર્મચારીઓની છટણી કરવાની છે. આ સાથે LinkedIn એ પણ જણાવ્યું છે કે તે તેની ચાઈનીઝ જોબ એપ્લિકેશન એપને પણ બંધ કરવા જઈ રહી છે.