Tomato Price: હવે સસ્તા થશે ટામેટાં, સરકારે કિંમત ઓછી કરવા માટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય
Tomato Price Update: દેશમાં ટામેટાંની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. કેટલાંક શહેરોમાં ટામેટાની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલો આસપાસ છે.
Tomato Price Cut: દેશમાં ટામેટાના ભાવ હજુ પણ ઊંચા સ્તરે છે. દેશના મોટાભાગના ભાગના રાજ્યોમાં ટામેટાં 150 રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સરકાર ટામેટાંના ભાવને નીચે લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. હવે નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) ટામેટાંના ભાવ ઘટાડવા માટે એક ખાસ પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી ટામેટાંના ભાવમાં ઘટાડો થશે.
નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) ટામેટાના ભાવને વધુ નીચે લાવવા માટે સપ્તાહના અંતમાં દિલ્હી નેશનલ કેપિટલ રિજન (NCR)માં લગભગ 60 ટન ટામેટાંનો નિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં નેપાળથી 10 ટન ટામેટાંની પણ આયાત કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, જુલાઈના છેલ્લા અઠવાડિયાથી ટામેટાંના ભાવ ફરી વધ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
આ વર્ષે કમોસમી વરસાદને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ટામેટાંની ખરીદી ખોરવાઈ ગઈ હતી અને પરિણામે સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી. 23 જુલાઈના રોજ રિટેલ માર્કેટમાં ટામેટાની સરેરાશ કિંમત ઘટીને રૂ. 116.73 પ્રતિ કિલો થઈ ગઈ હતી અને 24 જુલાઈથી ફરી વધવા લાગી હતી. સરકારી આંકડા મુજબ 11 ઓગસ્ટે ટામેટાની કિંમત 124.43 રૂપિયા પ્રતિ કિલો હતી.
15મી ઓગસ્ટ પહેલાનો પ્લાન
NCCFના મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ પહેલા તેઓ દિલ્હી NCRમાં 70 વાન તૈનાત કરવાની યોજના બનાવી રહ્યા છે અને સામાન્ય 10 થી 15 ટનની સામે એક સપ્તાહમાં લગભગ 60 ટન ટામેટાં વેચવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. લાઈવ મિન્ટના અહેવાલ મુજબ નેપાળથી આયાત કરાયેલા ટામેટાં લખનૌ, કાનપુર અને વારાણસીના બજારોમાં પણ મોકલવામાં આવશે.
હજુ પણ ભાવ કેમ વધી રહ્યા છે
સમગ્ર દેશમાં ટામેટાંના ભાવ વધવાનું મુખ્ય કારણ પુરવઠામાં વિક્ષેપ છે. હિમાચલ પ્રદેશ સહિત ઘણી જગ્યાએ કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદે ટામેટાના પાકને નષ્ટ કરી દીધો છે. જુલાઈના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાક નાશ પામ્યો છે, જેના કારણે પુરવઠાને અસર થઈ છે. જો કે કર્ણાટકમાં તેનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધુ થવાનો અંદાજ છે.
જથ્થાબંધ બજારમાં ટામેટાના ભાવ
લખનૌના જથ્થાબંધ બજારોમાં A-ગ્રેડના ટમેટાના ભાવ હજુ પણ રૂ. 100 પ્રતિ કિલોથી ઉપર છે, જ્યારે કાનપુર, વારાણસી અને જયપુરના બજારોમાં ભાવ રૂ. 100 પ્રતિ કિલોથી નીચે છે. NCCFનો ઉદ્દેશ્ય છૂટક કિંમતોને 100 રૂપિયાથી નીચે લાવવાનો છે.