NPCIએ ઈન્કમ ટેક્સ પોર્ટલ પર લોન્ચ કરી પાન-બેન્ક એકાઉન્ટ લિંક કરવાની નવી સુવિધા, જાણો કરદાતાઓને શું થશે ફાયદો?
તેનો હેતુ કરદાતાઓ અને સરકારી વિભાગો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાનો છે.

NPCI: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર PAN અને બેન્ક એકાઉન્ટના વેરિફિકેશનને સરળ બનાવવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. તેનો હેતુ કરદાતાઓ અને સરકારી વિભાગો માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને ઝડપી અને સરળ બનાવવાનો છે.
NPCI એ એક પરિપત્ર જાહેર કર્યો છે અને આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) વિશે જણાવ્યું છે, જે PAN વિગતો, બેન્ક ખાતાની સ્થિતિ અને ખાતાધારકની રિયલ ટાઇમ વેરિફિકેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઇન્ટરફેસની મદદથી ડેટાની ચકાસણી સીધી બેન્કોની કોર બેંકિંગ સિસ્ટમ (CBS) માંથી કરવામાં આવશે.
બેન્ક વેરિફિકેશનમાં આવશે તેજી
પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ઇન્ટરફેસ ખાસ કરીને સરકારી વિભાગો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની મદદથી તેઓ તેમની બેન્કોની કોર બેન્કિંગ સિસ્ટમ (CBS) માંથી તેમના ગ્રાહકોના PAN, એકાઉન્ટ સ્ટેટ્સ અને એકાઉન્ટ હોલ્ડરના નામનું વેરિફિકેશન કરી શકશે.
API એક સોફ્ટવેર બ્રિજ તરીકે કામ કરશે
API એક સોફ્ટવેર બ્રિજ છે જે બે સિસ્ટમોને ડેટા વાતચીત અને શેર કરવાની મંજૂરી આપે છે. આ ઇન્ટરફેસની મદદથી આવકવેરા પોર્ટલ જેવા સરકારી પ્લેટફોર્મને બેન્કોની મુખ્ય સિસ્ટમમાંથી સુરક્ષિત અને ઝડપી ચકાસણીની સુવિધા મળશે. NPCI એ તમામ સભ્ય બેન્કોને આ સુવિધાને પ્રાથમિકતાના ધોરણે લાગુ કરવા વિનંતી કરી હતી કારણ કે આ સેવા ભારત સરકારને પૂરી પાડવામાં આવી રહી છે.
કરદાતાઓને આનો લાભ મળશે
આનાથી કરદાતાઓ માટે ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે PAN-બેન્ક એકાઉન્ટને લિંક કરવાની પ્રક્રિયા ઝડપી બનશે, વેરિફિકેશન દરમિયાન મેન્યુઅલ ભૂલો ઓછી થશે, રિટર્ન અને અન્ય કર સંબંધિત ચુકવણીઓ ઝડપી બનશે. ઉપરાંત કરદાતાના ડેટા વેરિફિકેશન વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનશે. સામાન્ય રીતે ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી 10-12 કાર્યકારી દિવસોમાં ઇ-ફાઇલિંગ એકાઉન્ટમાં વેલિડેશન સ્ટેટ્સ અપડેટ કરવામાં આવે છે.





















