આ અઠવાડિયે પેટ્રોલ-ડીઝલના ભાવમાં લિટરે 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાશે, જાણો છું છે મોટું કારણ ?
હાલમાં ક્રૂડ ઓઇલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહે ક્રૂડ ઓઈલ વધીને 75.34 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
ક્રૂડ ઓઇલનો બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ સોમવારે ફરી 75 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયો છે. ભારત માટે આ ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલ અહીં 100 રૂપિયા પ્રતિ લીટરના સ્તરને પાર કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જો ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ થઇ જાય તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.
છેલ્લા 1 મહિનામાં ક્રૂડ ઓઇલ 9.1% મોંઘુ થયું
હાલમાં ક્રૂડ ઓઇલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. આ સપ્તાહે ક્રૂડ ઓઈલ વધીને 75.34 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. 1 મહિના પહેલા તે 69.03 ડોલર પ્રતિ બેરલ પર હતું. એટલે કે તેમાં 9.1%નો વધારો થયો છે.
નિષ્ણાંતોના કહેવા અનુસાર વિશ્વભરમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટી રહ્યા છે જેને કારણે આર્થિક ગતિવિધી ફરી પાટે ચડી રહી છે. જેના કારણે ક્રૂડની માગમાં વધારો જોવા મળી રહ્યો છે. જેની સીધી અસર ક્રૂડના ભાવ પર જોવા મળી રહી છે.
બીજી બાજુ ડોલર મજબૂત બનતા રૂપિયો નબળો પડ્યો છે. ભારત ક્રૂડની પોતાની જરૂરિયાના 80 ટકાની આયાત કરે છે અને તેની ચૂકવણી ડોલરમાં કરવામાં આવે છે. જેના કારણે રૂપિયો નબળો પડવાથી ક્રૂડ ઓઈલની ખરીદી કિંમત ભારત માટે વધી રહી છે.
આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 2 થી 3 રૂપિયા મોંઘુ થઈ શકે
જો ક્રૂડની માગ સતત વધતી રહે તો આગામી દિવસોમાં ક્રૂડ ફરી 80 ડોલર પ્રતિ બેરલની સપાટી સુધી જઈ શકે છે. જેના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2થી 3 રૂપિયા પ્રતિ લિટરે વધારો થઈ શકે છે.
આ વર્ષે અત્યાર સુધી પેટ્રોલ 17.22 રૂપિયા અને ડીઝલ 14.50 રૂપિયા મોંઘુ થયું
આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડીઝલ 74.12 હતું, જે હવે 101.19 રૂપિયા અને 88.62 રૂપિયા પ્રતિ લિટર છે. એટલે કે 9 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 13.53 રૂપિયા અને ડીઝલ 14.11 રૂપિયા મોંઘુ થયું છે.
20 રાજ્યોમાં પેટ્રોલ અને 3 રાજ્યોમાં ડીઝલ હવે 100 ને પાર
દેશના 20 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, મણિપુર, તેલંગાણા, પંજાબ, સિક્કિમ, ઓરિસ્સા, કેરળ, દિલ્હી, તમિલનાડુ અને રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે.
જ્યારે જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ અને છત્તીસગઢમાં ઘણી જગ્યાએ પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે. બીજી બાજુ, જ્યારે ડીઝલની વાત આવે છે, તે હજુ પણ ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ 100 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર છે.