અનંત અંબાણીની પદયાત્રા અને પત્ની રાધિકાનો વાયરલ વીડિયો: 140 કિમીની યાત્રા અંગે કહી આ મોટી વાત
રામનવમીના દિવસે જામનગરથી દ્વારકા સુધીની 140 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી, 30માં જન્મદિવસે પત્નીએ વ્યક્ત કર્યો ગર્વ.

Radhika Merchant Video: અનંત અંબાણીએ તાજેતરમાં જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની 140 કિલોમીટરની લાંબી પદયાત્રા પૂર્ણ કરી છે, જેના કારણે તેઓ ચર્ચામાં છે. રામ નવમીના શુભ અવસર પર ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને તેમણે પોતાની આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ સફર અનંત અંબાણી માટે માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ ખૂબ જ ખાસ હતી, કારણ કે આ યાત્રા તેમના 30માં જન્મદિવસે પૂરી થઈ હતી. આ ખાસ પ્રસંગે તેમની સાથે તેમની પત્ની રાધિકા મર્ચન્ટ અને માતા નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે અનંત અંબાણીની પત્ની રાધિકા મર્ચન્ટે જે વાત કહી તે હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અનંતની આ યાત્રા અંગે તેમણે કહ્યું હતું કે, "અનંતની જામનગરમાં અમારા ઘરથી દ્વારકાધીશ સુધીની પદયાત્રા કરવાની ઘણા સમયથી ઈચ્છા હતી. આજે તેમનો 30મો જન્મદિવસ છે અને મને ખૂબ જ ગર્વની લાગણી થઈ રહી છે કે તેમણે આ યાત્રા પૂરી કરી છે. હું તેમને આશીર્વાદ આપનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માનું છું." રાધિકા મર્ચન્ટનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને લોકો તેમની લાગણીને બિરદાવી રહ્યા છે. વીડિયોમાં પાછળ ઉભેલા અનંત અંબાણી પણ હસતા જોવા મળ્યા હતા અને તેમની આ પ્રતિક્રિયાને પણ લોકોએ ખૂબ વખાણી હતી.
પોતાની આ પદયાત્રા પૂર્ણ થવા પર અનંત અંબાણીએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "જય દ્વારકાધીશ. આજે રામ નવમીના શુભ અવસરે મારી દસ દિવસની પદયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. મેં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને આ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે. આજે મારી માતા અને મારી પત્ની મારી સાથે રહ્યા અને જ્યારે મેં મારા પિતાને આ યાત્રા વિશે જણાવ્યું ત્યારે તેમણે પણ મને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું."
#WATCH | Devbhumi Dwarka, Gujarat | 'Padyatra' of Anant Ambani, Director, Reliance Industries Limited, from Jamnagar to Dwarkadhish Temple, completed today and arrived at Dwarkadhish Temple on the occasion of #RamNavami2025.
— ANI (@ANI) April 6, 2025
Anant Ambani's wife, Radhika Merchant, says, "Today,… pic.twitter.com/jtWyUp2jXv
ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન જુલાઈ 2024માં ખૂબ જ ભવ્ય રીતે સંપન્ન થયા હતા. તેમના આ લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. આ શાહી લગ્નમાં બોલિવૂડથી લઈને આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ હાજરી આપી હતી. અનંત અંબાણીની આ આધ્યાત્મિક યાત્રા અને રાધિકા મર્ચન્ટનો ભાવનાત્મક સંદેશ સોશિયલ મીડિયા પર લોકોના દિલને સ્પર્શી રહ્યો છે અને યુઝર્સ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને તેમના વિશ્વાસ અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.





















