(Source: ECI/ABP News/ABP Majha)
હવેથી ATMમાં રોકડ નહીં હોય તો બેંકોએ ભરવો પડશે દંડ, જાણો શું છે RBIની નવી પોલિસી
આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, રોકડના અભાવે કેટલો સમય એટીએમ ખાલી રહે છે અને તેના કારણે ગ્રાહકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
RBI New Policy: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ એવી બેંકો પર દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે કે જેઓ તેમના એટીએમ મશીનોમાં સમયસર નાણાં નાખતા નથી. આરબીઆઈએ મંગળવારે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, એટીએમ મશીનમાં પૈસા ન મળવાના કારણે ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. 1 ઓક્ટોબરથી આવી બેંકો કે જેઓ તેમના એટીએમમાં સમયસર રોકડ નહીં ભરે તો તેને આ માટે 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "રોકડના અભાવે કેટલો સમય એટીએમ ખાલી રહે છે અને તેના કારણે ગ્રાહકોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે અંગે તપાસ કરવામાં આવી હતી. એવામાં જાણવા મળઅયું કે, એટીએમમાં સમયસર રોકડ ફરી ભરવામાં આવતી નથી, જેના કારણે સામાન્ય લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.”
'Scheme of Penalty for non-replenishment of ATMs'ની જાહેરાત કરતા આરબીઆઈએ કહ્યું કે, "જો મહિનામાં 10 કલાકથી વધુ સમય માટે એટીએમમાં રોકડ ઉપલબ્ધ ન હોય તો સંબંધિત બેંકમાં એટીએમ દીઠ 10 હજાર રૂપિયાનો દંડ થશે."
બેંકોએ તેની સિસ્ટમમાં સુધારો કરે એટલા માટે નિર્ણય લેવામાં આવ્યો
આરબીઆઈએ આ નિર્ણયનું કારણ પણ સમજાવ્યું અને કહ્યું, "તમામ બેન્કો અથવા વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોએ તેમની સિસ્ટમમાં વધુ સુધારો કરવો જોઈએ. વળી, બેંકોએ તેમના એટીએમમાં કેટલી રોકડ હાજર છે તેની વધુ સારી રીતે દેખરેખ રાખવી જોઈએ અને સમયસર ફરીથી આ એટીએમમાં રોકડ મૂકવાની ખાતરી કરવી જોઈએ. જેથી ગ્રાહકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ જ અમારી યોજનાનો હેતુ છે.” નોંધનીય છે કે, નોન બેન્કિંગ કંપનીઓ વ્હાઇટ લેબલ એટીએમનો ઉપયોગ કરે છે.
બેંકોએ દર મહિને સિસ્ટમ જનરેટેડ સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે
ઉપરાંત આરબીઆઈએ જણાવ્યું હતું કે, "દેશના તમામ એટીએમ અમારા 'Issue Department'ના અધિકારક્ષેત્રમાં આવે છે. બેંકોએ રોકડના અભાવને કારણે તેમના એટીએમના ડાઉનટાઈમ અંગે 'Issue Department' પાસે સિસ્ટમ જનરેટેડ સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે. વ્હાઈટલેબલ એટીએમ બેંકો કે જેમની સાથે તે સંબંધિત છે તેઓએ તેના માટે એક અલગ સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે. બેંકોએ દર મહિનાનું સ્ટેટમેન્ટ આગામી મહિનાના પ્રથમ પાંચ દિવસમાં દરેક સ્ટેટમેનન્ટ આપવાનું રહેશે."