Adani Group ની મુસીબતો નથી થઈ રહી ઓછી, હવે આવ્યું આ સંકટ; જાણો શું છે મામલો
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપ માટે આ બીજો આંચકો છે.
Adani Power-DB Power Deal: અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. હવે ગ્રુપ કંપની અદાણી પાવર લિમિટેડ રૂ. 7,017 કરોડમાં ડીબી પાવરની થર્મલ પાવર એસેટ્સ ખરીદવાનો સોદો પૂર્ણ કરી શકી નથી. અદાણી પાવરે શેરબજારને કહ્યું, 'અમે જણાવવા માંગીએ છીએ કે કરાર હેઠળ છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2022 પસાર થઈ ગઈ છે.'
અદાણી પાવરે અગાઉ ઓગસ્ટ 2022માં જણાવ્યું હતું કે તેણે DB પાવર લિમિટેડના ટેકઓવર માટે કરાર કર્યો છે. કંપની પાસે છત્તીસગઢમાં 1200 મેગાવોટની ક્ષમતાનો થર્મલ પાવર પ્લાન્ટ છે. અદાણી પાવરે આ અહેવાલ ફાઈલ થાય ત્યાં સુધી સોદાની વર્તમાન સ્થિતિ અંગેના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગણી કરી હતી. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ડીબી પાવરના સંપાદન માટે પ્રારંભિક એમઓયુ 31 ઓક્ટોબર 2022ના રોજ થયો હતો. આ પછી, ડીલ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ ચાર વખત લંબાવવામાં આવી છે.
અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ 24 જાન્યુઆરીએ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપ માટે આ બીજો આંચકો છે. અગાઉ, જૂથે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO પાછો ખેંચવો પડ્યો હતો. આ અહેવાલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી જૂથે ઘણા વર્ષોથી શેરોમાં હેરાફેરી કરી હતી. અદાણી જૂથે આ આરોપોને નકારી કાઢ્યા છે પરંતુ તાજેતરના દિવસોમાં જૂથના શેરમાં ભારે ઘટાડો થયો છે. તેનું માર્કેટ કેપ $100 બિલિયનથી ઓછું રહ્યું છે. તેને જોતા ગ્રુપે પોતાની રણનીતિ બદલી છે. રોકાણકારોનો વિશ્વાસ પાછો મેળવવા માટે, અદાણી જૂથ હવે આક્રમક રીતે વિસ્તરણ કરવાને બદલે તેની નાણાકીય સ્થિતિ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જૂથ તેનું દેવું ઘટાડી રહ્યું છે, ગીરવે મૂકેલા શેરને રિડીમ કરી રહ્યું છે અને રોકડ વધારી રહ્યું છે.
અદાણી પાવર 13.6 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા ધરાવે છે. કંપનીના સાત રાજ્યોમાં સાત થર્મલ પ્લાન્ટ છે. તેમજ 40 મેગાવોટનો સોલાર પ્લાન્ટ છે. 30 સપ્ટેમ્બર 2022 ના આંકડા અનુસાર, કંપની પર કુલ 36,031 કરોડ રૂપિયાનું દેવું છે. જો તેને ડીબી પાવર સાથે ડીલ મળી હોત તો તેનાથી પાવર સેક્ટરમાં અદાણી ગ્રુપની સ્થિતિ વધુ મજબૂત બની હોત. ડીબી પાવર પાસે છત્તીસગઢના જાંજગીર ચંપા જિલ્લામાં દરેક 600 મેગાવોટના બે યુનિટ છે. અત્યારે આ કંપનીની માલિકી દૈનિક ભાસ્કર ગ્રુપ પાસે છે. આ કંપની પર રૂ. 5,500 કરોડનું દેવું છે.