હવે SBI પણ થઇ પાંચ લાખ કરોડ રૂપિયાની બેન્ક, અગાઉ HDFC અને ICICI બેન્કના નામે હતો આ રેકોર્ડ
બે ખાનગી ક્ષેત્રની બેંકો HDFC બેંક અને ICICI બેંકએ 05 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ હાંસલ કરી હતી
નવી દિલ્હીઃ
દેશની સૌથી મોટી બેંક SBIએ પણ શેરબજારમાં શાનદાર દેખાવ કર્યો છે અને હવે તેના ખાતામાં નવો રેકોર્ડ નોંધાયો છે. બુધવારે ટ્રેડિંગ દરમિયાન SBIનો ભાવ લગભગ 2.50 ટકા વધી BSE પર 575 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આ સાથે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI MCap)નું માર્કેટ કેપ હવે 05 લાખ કરોડને પાર કરી ગયું છે. SBI આ સ્તર હાંસલ કરનારી દેશની ત્રીજી બેંક બની છે.
હાલમાં BSE પર SBIની માર્કેટ કેપ રૂ. 5.10 લાખ કરોડની નજીક છે. આ પહેલા બે ખાનગી ક્ષેત્રની બેંકો HDFC બેંક અને ICICI બેંકએ 05 લાખ કરોડથી વધુની માર્કેટ કેપ હાંસલ કરી હતી. હાલમાં ICICI બેન્કની માર્કેટ કેપ રૂ. 6.40 લાખ કરોડથી થોડી વધારે છે. જ્યારે એચડીએફસી બેંકની એમકેપ હાલમાં રૂ. 8.51 લાખ કરોડની નજીક છે. એચડીએફસી બેંક હાલમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી બેંક છે.
બ્રોડર માર્કેટની વાત કરીએ તો ટ્રેડિંગના અંત સુધી BSE સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બજાર પર અમેરિકી બજારો અને એશિયન બજારોનું પ્રેશર છે. સવારે સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જો કે, પછીના બિઝનેસમાં તેણે ઝડપી રિકવરી કરી અને એક તબક્કે નફામાં પણ પહોંચી ગયો હતો.
એસબીઆઈની વાત કરીએ તો તેના શેરે પણ બુધવારના ટ્રેડિંગમાં નવી ઓલ ટાઈમ હાઈ બનાવી છે. ટ્રેડિંગ દરમિયાન એસબીઆઈના શેરની કિંમત એક સમયે 2.70 ટકા વધીને રૂ. 574.65 થઈ હતી. આ SBI સ્ટોકનું નવું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. બ્રોકરેજ હાઉસ હજુ પણ એસબીઆઈના સ્ટોક પર પોઝિટિવ છે. બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલ 11 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે તેને SBIના શેરના ભાવમાં વધારો થવાની અપેક્ષા છે. આ કારણોસર ફર્મે SBIને 'BUY' રેટિંગ આપ્યું હતું.
આ વર્ષની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં તેનો સ્ટોક 24 ટકાથી વધુ વધી ગયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માત્ર 3.82 ટકા વધ્યો છે. આ વર્ષ અત્યાર સુધી બેન્કિંગ શેરો માટે સારું સાબિત થયું છે. આ સમયગાળા દરમિયાન BSE બેન્કેક્સ ઇન્ડેક્સ 15 ટકા વધ્યો છે. બીજી તરફ બેન્ક ઓફ બરોડા, ફેડરલ બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક જેવા શેરોમાં 30 ટકાથી 70 ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે.