Sensex-Nifty Slides: ઇઝરાયલ પર હુમલાથી સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, રોકાણકારોના 4.26 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા
Sensex-Nifty Slides: હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો.
Share Market Opening 2 August: એક દિવસ અગાઉ નવો ઈતિહાસ રચ્યા બાદ શુક્રવારે ખુલતાની સાથે જ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આજે વૈશ્વિક બજારોમાં ઘટાડાની સ્પષ્ટ અસર સ્થાનિક બજાર પર જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ ખુલતાની સાથે જ 700 થી વધુ પોઈન્ટ્સ તૂટ્યો હતો જ્યારે નિફ્ટીએ લગભગ 200 પોઈન્ટના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.
Sensex tumbles 708 points to 81,158.99 in early trade; Nifty declines 221 points to 24,789
— Press Trust of India (@PTI_News) August 2, 2024
સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ 630 પોઈન્ટના ઘટાડા સાથે 81,240 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી લગભગ 200 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નીચે હતો.
બજારમાં મોટા ઘટાડાના પૂર્વ સંકેતો
બજાર ખુલતા પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટી ફ્યુચર લગભગ 215 પોઈન્ટ ઘટીને 24,820 પોઈન્ટની નજીક આવી ગયો હતો. પ્રી-ઓપન સેશનમાં માર્કેટમાં ભારે ઘટાડાનાં સંકેત દેખાઈ રહ્યાં હતાં. BSE સેન્સેક્સ પ્રી-ઓપન સેશનમાં 700થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 81,160 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી 220 પોઈન્ટથી વધુ ઘટીને 24,790 પોઈન્ટની નીચે ગયો હતો.
હિઝબુલ્લાહના ઇઝરાયલ પર હુમલાના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4.26 લાખ રૂપિયા ઘટી ગયું છે એટલે કે રોકાણકારોની સંપત્તિમાં માર્કેટ ખુલતા જ 4.26 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
એક દિવસ પહેલા જ નવો ઈતિહાસ રચાયો
આ પહેલા ગુરુવારે નવા મહિનાના પહેલા દિવસે સ્થાનિક બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં સેન્સેક્સ પ્રથમ વખત 82 હજાર પોઈન્ટની સપાટીને પાર કરવામાં સફળ રહ્યો હતો અને 82,129.49 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 126.20 પોઈન્ટ (0.15 ટકા)ના વધારા સાથે 81,867.55 પોઈન્ટ પર હતો.
ગુરુવારે નિફ્ટીએ ઈતિહાસમાં પ્રથમ વખત 25 હજાર પોઈન્ટની સપાટી વટાવી હતી અને 25,078.30 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. ટ્રેડિંગના અંતે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 59.75 પોઈન્ટ (0.24 ટકા)ના વધારા સાથે 25,010.90 પોઈન્ટ પર બંધ થયો હતો.