Ahmedabad: અમદાવાદમાં મોતનું ઢાંકણું! AMC ની ઘોર બેદરકારીએ લીધો નિર્દોષનો ભોગ, CCTV જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Ahmedabad accident: 6 મહિનાથી તૂટેલું હતું ઢાંકણું, અનેક ફરિયાદો છતાં તંત્ર ઊંઘતું રહ્યું; ઘટના બાદ DyMC એ આપ્યા તપાસના આદેશ.

Ahmedabad accident: અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની ઘોર બેદરકારીએ ફરી એકવાર એક નિર્દોષ નાગરિકનો જીવ લીધો છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં રસ્તા વચ્ચે ગટરનું ઢાંકણું તૂટેલું હોવાને કારણે એક એક્ટિવા ચાલક ગંભીર રીતે પટકાયો હતો, જેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. 26 નવેમ્બરના રોજ બનેલી આ ઘટનાના રૂંવાડા ઉભા કરી દેતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, આ ડ્રેનેજનું ઢાંકણું છેલ્લા 6 મહિનાથી તૂટેલી હાલતમાં હતું અને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ જ સમારકામ કે બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું. વાહનચાલકના મોત બાદ હવે AMC નું તંત્ર સફાળું જાગ્યું છે.
CCTV માં કેદ થઈ મોતની લાઈવ ઘટના
કુબેરનગર અને નરોડા વિસ્તારને જોડતા જીવતરામ ઉધાણી માર્ગ પર 26 નવેમ્બરના રોજ આ હચમચાવી દેતી ઘટના બની હતી. સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક એક્ટિવા ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. તે દરમિયાન ગટરના તૂટેલા ચેમ્બરના ખાડામાં વ્હીલ આવતા કે સંતુલન ગુમાવતા તે જોરદાર રીતે જમીન પર પટકાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત થયું હતું.
સ્થાનિકોનો આક્રોશ: "અનેક ફરિયાદો છતાં તંત્ર ન જાગ્યું"
આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં AMC વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના દાવા મુજબ, આ ગટરનું ઢાંકણું છેલ્લા 6 મહિનાથી (કેટલાકના મતે 20 દિવસથી વધુ સમયથી) તૂટેલી હાલતમાં હતું. જાગૃત નાગરિકોએ આ અંગે ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી, પરંતુ કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા ન હતા. નવાઈની વાત એ છે કે ઢાંકણું તૂટેલું હોવા છતાં ત્યાં કોઈ ભયજનક સિગ્નલ કે બેરિકેડિંગ મૂકવાની તસ્દી પણ તંત્રએ લીધી ન હતી. જ્યારે સ્થાનિકો રજૂઆત કરતા ત્યારે "આ વિસ્તાર અમારામાં નથી આવતો" તેવા ઉડાઉ જવાબો મળતા હતા.
Ahmedabad: AMCના પાપે નિર્દોષનો ભોગ! કુબેરનગરમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પટકાતા એક્ટિવા ચાલકનું મોત, CCTV જોઈ હચમચી જશો#amc #AhmedabadNews pic.twitter.com/Wya1Lnk2wV
— ABP Asmita (@abpasmitatv) November 30, 2025
70:20:10 ની સ્કીમમાં બનેલો રોડ અને ભ્રષ્ટાચારની ગંધ
જાણવા મળતી વિગતો મુજબ, વર્ષ 2024 માં જ આ જીવતરામ ઉધાણી માર્ગ બનાવવામાં આવ્યો હતો. આ રોડ 70:20:10 ના રેશિયોથી તૈયાર થયો હતો, જેમાં 70 ટકા રકમ ધારાસભ્યની ગ્રાન્ટ, 20 ટકા કોર્પોરેટરની ગ્રાન્ટ અને 10 ટકા રકમ સ્થાનિક લોકો પાસેથી ઉઘરાવીને વાપરવામાં આવી હતી. લોકોના પૈસે બનેલા રોડ પર સુવિધાના નામે ગટરના ખુલ્લા ઢાંકણા મળતા લોકો તંત્રની કામગીરી પર ફિટકાર વરસાવી રહ્યા છે.
મોત બાદ તંત્રની દોડધામ અને તપાસના આદેશ
નિર્દોષના મોત બાદ હવે AMC પ્રશાસન હરકતમાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ખનામાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ ઘટના માટે જે પણ અધિકારી જવાબદાર હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર હવે એ તપાસ કરી રહ્યું છે કે ઈ ગવર્નન્સ વિભાગે સ્થાનિકો દ્વારા કરાયેલી ઓનલાઈન ફરિયાદ સંબંધિત વિભાગને મોકલી હતી કે કેમ? જોકે, સવાલ એ છે કે શું આ તપાસથી ગુમાવેલો જીવ પાછો આવશે ખરો?





















