ખાતરની અછતને લઈ એકશનમાં સરકાર, ખાતરની કાળાબજારી અટકાવવા શરૂ કરાયા કંટ્રોલરૂમ
ખેતી નિયામક કચેરી દ્ધારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે

ખાતરની અછતને લઈ સરકાર એક્શનમાં આવી હતી. બે દિવસ પૂર્વે જામનગરની ગુજરાત ફર્ટિલાઈઝર્સ ડીલર્સ એસોસિએશન અને ભાવનગરના ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશનને કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી. હવે ખાતર પર દેખરેખ રાખવા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો હતો. હવે ખાતરની વિતરણ વ્યવસ્થા પર ગાંધીનગરથી દેખરેખ રાખવાનું શરૂ કરાયું હતું. ખાતરની સંગ્રહખોરી ન થાય તે માટે અધિક કલેકટર કક્ષાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી હતી. રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદથી ખરીફ પાકોનું 61 ટકા વાવેતર થયું હતું પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું ન હતું.
સરકાર કહે છે કે ખાતરનો પૂરતો સ્ટોક છે. બીજી તરફ ખાતર માટે લાઈનો લાગી રહી છે. વિવિધ જિલ્લામાં ખાતરના જથ્થાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવતું હોવાથી અછતની બૂમરાડ મચતા હવે રાજ્યકક્ષાએથી દેખરેખ શરૂ કરાઈ હતી. ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી ન થાય, કાળા બજારી ન થાય, વધુ ભાવે વેચાણ ન થાય તેમજ સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લા- તાલુકાને પૂરતું ખાતર મળી રહે તે સુનિશ્ચિત કરાઈ રહ્યું છે.
ખેતી નિયામક કચેરી દ્ધારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં રાજ્ય કક્ષાએ ફરિયાદ માટે રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે 8 થી રાત્રે 8 કલાક સુધી કાર્યરત રહેશે, તેમ ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવાયું છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ખાતર વિતરણ અંગે જણાવ્યું હતું કે, આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકોના 61 ટકા જેટલુ વાવેતર સમય કરતા વહેલા પૂર્ણ થયું છે. ખેડૂતોને વ્યાજબી ભાવે યુરીયા, ડી.એ.પી તથા એન.પી.કે ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા તેના પર માતબર રકમની સબસીડી આપીને સમયાંતરે ખાતરનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. ખેતી માટે જરૂરિયાત મુજબ ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સપ્લાય પ્લાન મુજબ ખાતરનો જથ્થો વિવિધ જિલ્લામાં વિતરણ કરવામાં આવી રહ્યો છે.





















