ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી યોજવા મુદ્દે રાજ્ય ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત
ગાંધીનગર મનપાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરાઇ હતી પણ કોરોનાના કેસો વધ્યા તેના કારણે ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી. રાજ્યમાં હજુ પરિસ્થિતિ સામાન્ય બની ન હોવાથી ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય કર્યો છે.
અમદાવાદ : રાજ્ય ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંગે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ફરી મોકૂફ રાખી છે.
આ પહેલાં કોરોનાને લીધે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી દેવાઈ હતી પણ કોરોનાના કેસો વધ્યા હતાં તેના કારણે ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી હતી.
હજુ સંજોગો સામાન્ય નહીં થયા હોવાથી ફરી એકવાર રાજ્ય ચૂંટણી આયોગે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવા ઈન્કાર કર્યો છે. રાજ્યમાં હજુ પરિસ્થિતી સામાન્ય બની ન હોવાથી રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય કર્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકા ઉપરાંત ઓખા, થરા સહિતની નગરપાલિકા ઉપરાંત કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની ચૂંટણી પણ હવે ચોમાસા બાદ યોજવામાં નક્કી કરાયુ છે. રાજ્ય ચૂંટણી આયોગે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, ચોમાસાને કારણે મેલેરિયા સહિતના ઋતુજન્ય રોગચાળાની ભીતિ હોવાથી મતદારો ઉપરાંત ચૂંટણી કર્મચારીઓ તથા પોલીસના આરોગ્યને મુદ્દે જોખમ લઈ શકાય નહીં. આ ઉપરાંત ચોમાસામાં ભારે વરસાદની પણ શક્યતા છે તેથી પૂરની સ્થિતી સર્જાઈ શકે. આ સંજોગોમાં મહેસૂલ વિભાગના કર્મચારીઓએ કામે લાગવુ પડે અને તેમને ચૂંટણીના કામમાં લગાવી શકય નહી. કોરોના સામે ઝીંક ઝિલવા રાજ્ય સરકાર પૂરજોશમાં રસીકરણ અભિયાન ચલાવી રહી છે જેના કારણે આરોગ્ય કર્મચારીઓ પણ લક્ષ્યાંક સાથે કામગીરી બજાવી રહ્યા છે. આ તમામ કારણોને જોતાં હાલ ચૂંટણીઓ યોજી શકાય તેવી સ્થિતી નથી.
ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત ઓખા, ભાણવડ અને થરા નગરપાલિકાની પણ મુદત પૂર્ણ થઇ છે. ઓખા નગરપાલિકામાં 9 વોર્ડની 36 બેઠક, થરા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
આ ચૂંટણીઓની સાથે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજવા ચૂંટણી પંચે નક્કી કર્યુ હતું પણ હાલ પરિસ્થિતી સામાન્ય ન હોવાને કારણે ચૂંટણીઓ મુલતવી રાખવા નિર્ણય લેવાયો છે. સ્થિતી સામાન્ય થતા રાજ્ય ચૂંટણી પંચ ચૂંટણીના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરશે.