મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાથે વાત કરતાં કરતાં બહેન રડી પડ્યા, જુઓ વીડિયો
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ ખાતામાં અચાનક રેડ કરી રહ્યા છે. તેમણે ગાંધીનગર કલેકટર કચેરી પર દરોડો પાડી કામ અંગે નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસુલ ખાતામાં અચાનક રેડ કરી રહ્યા છે. તેમણે ગાંધીનગર કલેકટર કચેરી પર દરોડો પાડી કામ અંગે નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અચાનક પહોંચી જતાં અધિકારીઑમાં દોડધામ મચી ગઈ હતી. નિરીક્ષણ દરમિયાન કચેરીમાંથી ખાનગી વ્યક્તિ કામ કરતી ઝડપાઇ હતી. જે બાદ સિનિયર અધિકારી રિટાયર્ડ વ્યક્તિ પાસેથી કામ કરાવતા હોવાનું ખૂલ્યું છે. નિવૃતિના પાંચ મહિના પછી પણ ઓફિસમાં કામ કરતા કર્મચારીને મહેસૂલ મંત્રીએ ઘણા સવાલો કર્યા હતા.
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી જ્યારે કલેક્ટર ઓફિસમાં ઓચિંતી મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે ત્યાં હાજર અરજદારો સાથે પણ વાત કરી હતી. આ દરમિયાન એક બહેન મંત્રી સાથે વાત કરતા-કરતા રડી પડ્યા હતા. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.
રાજેન્દ્ર ત્રિવેદી જ્યારથી મંત્રી બન્યા ત્યારથી સતત ઓચિંતી મુલાકાત જેતે કચેરીઓની લઈ રહ્યા છે.તેના કારણે અધિકારીઓ જનતાના કામ પુરજોશથી કરી રહ્યા છે.અધિકારીઓમાં કામ કરવાને લઈ એક ડર જોવા મળી રહ્યો છે.
સર્કલ ઓફિસરની કચેરીમાં જ મળતિયાઓ અને ખાનગી માણસોએ અડ્ડો જમાવી લીધો હોવાની બાબતે ખરાઈ કર્યા બાદ જ મહેસૂલ મંત્રીએ સરપ્રાઈઝ વિઝિટ લીધી હોવાનું જણાતુ હતું. કારણ કે, તેઓ સીધા ભોંયતળિયે આવેલી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીમાં પહોંચી ગયા હતા. પોતાના સ્ટાફ સાથે પગપાળા કલેક્ટર કચેરીના દરવાજેથી પ્રવેશ શરૂ કરતાં જ તેમણે વીડિયો રેકોર્ડિંગ શરૂ કરાવી દીધુ હતું અને ફેસબૂક લાઈવ કર્યુ હતું. સૌ પ્રથમ તેમણે આ જગ્યાના અધિકારી બાબતે પૂછપરછ કરી હતી.
મહેસૂલ મંત્રીએ પોતાની સરપ્રાઈઝ વિઝિટ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બે દિવસથી એક જાગૃત નાગરિકે વીડિયો સાથે ફરિયાદ આપી હતી. જેનાં પગલે ગાંધીનગર કલેકટર કચેરીની સરપ્રાઈઝ વિઝિટ મુલાકાત લેતા મહેસૂલ કચેરીના સર્કલ ઓફિસરની જગ્યાએ અન્ય ત્રાહિત વ્યક્તિ બેઠો હતો. અને સર્કલ ઓફિસરની ખુરશી પર બેસી ફાઈલો ચેક કરતાં હતાં. અહીં બેઠેલા એક અધિકારીએ પણ જણાવ્યું હતું કે, ત્રાહિત વ્યક્તિ છેલ્લા પાંચ મહિનાથી અહીં બેસીને સરકારી કામકાજ કરતો હતો.