Valsad: વલસાડના પારડીમાં પાણીના પ્રવાહમાં તણાઈ કાર, શિક્ષકનો બચાવ, પત્ની-પુત્રીનું મોત
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં શિક્ષક દંપતી અને તેની આઠ વર્ષની બાળકી હતી. શિક્ષકનો તો બચાવ થયો જ્યારે તેમના પત્ની અને બાળકીનો લાંબી શોધખોળ બાદ મૃતદેહ મળી આવ્યો હતો. ગઈકાલે રાત્રે પારડી તાલુકાના તરમલિયા અને ખૂંટેજ વચ્ચે ભેસુ ખાડી વરસાદને લઈને ઓવરફ્લો થઈ હતી. પરિણામે ખાડીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. કોઝવે પર ત્રણથી ચાર ફૂટ સુધી પાણી વહેતા હતા, આ સમયે કોઝવે પરથી પસાર થતી વખતે કાર પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી.
ઘટનાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. કાર સવાર મહેશભાઈને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે તેમની પત્ની અને આઠ વર્ષની બાળકી કાર સાથે તણાઈ ગયા હતા. બનાવની જાણ થતા મામલતદાર અને NDRFની ટીમ સ્થળ પર દોડી આવી અને શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરી દેવાયું. આજે સવારે ફરી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેશભાઈના પત્ની અને તેની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
જૂનાગઢના કણજા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. NDRFની ટીમે બોટથી તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મોડી રાત સુધી ચાલ્યું હતુ NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલ્યું હતું.
અમરેલીના રાજુલામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 3 ખેડૂતોનું રેસ્કયૂ કરાયું હતું. ધાતરવડી ગામમાં હુંડોલિયા નદીમાં પૂર આવતા ત્રણેય ખેડૂતો ખેતરમાં ફસાયા હતા. સ્થાનિકોએ પ્રશાસનને જાણ કરતા જ તરત ટીડીઓ અને NDRFની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ ત્રણેય ખેડૂતોને રેસ્ક્યૂ કર્યા હતા.
રાજ્યમાં 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 10 તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે.





















