Covid-19: બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ
ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.
કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે.
અમદાવાદમાં કોરોનાનું કેન્દ્ર
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.
દેશમાં પણ વધી રહ્યા છે કોરોનાના કેસ
ભારતમાં કોવિડ-19ના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે દેખરેખ અને સાવચેતીના પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે. હજુ સુધી કોઈ દર્દીના મૃત્યુની પુષ્ટી થઈ નથી, પરંતુ મુંબઈ, ચેન્નઈ અને અમદાવાદ જેવા શહેરોમાં ચેપના કેસોમાં વધારો નોંધાયો છે.
હરિયાણામાં કોરોનાના ત્રણ નવા કેસ નોંધાયા
હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી. બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો JN.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં અઢી વર્ષ પછી કોરોનાનો નવો કેસ
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, "દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે."




















