Valsad: જાણો દેશભરના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા કેમ ધરણા કરવામાં આવ્યા
વલસાડ: પારડી ખાતે આવેલ બગવાડા નજીક ટોલનાકા પર દેશભરના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હીના નેજા હેઠળ આ ધરણા કરવામાં આવ્યા હતા
વલસાડ: પારડી ખાતે આવેલ બગવાડા નજીક ટોલનાકા પર દેશભરના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા, જેમાં ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હીના નેજા હેઠળ આ ધરણા કરવામાં આવ્યા હતા, દેશભરના ટોલનાકા પર લેવામાં આવતા ટોલના વિરોધમાં આ ધરણા રાખવામાં આવ્યા હતા.
તમામ રાજ્યોના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત
દેશના સૌથી મોટા અને સૌથી વ્યસ્ત નેશનલ હાઈવે 48 પર વાપી નજીક બગવાડા ટોલનાકા પર આજે દેશભરમાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. મુંબઈથી વડોદરા હાઇવે પર 100 ટકા ટોલ ટેક્ષ વસૂલવાની મુદ્દત 2022ના જાન્યુઆરી મહિનાથી પૂર્ણ થઇ ગઈ હોવા છતાં હજુ સુધી 100 ટકા ટોલ ટેક્સ વસૂલી અને ઓથોરિટી દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે આજે ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હી દ્વારા બગવાડા ટોલનાકા પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીથી લઈ દક્ષિણ ભારત સુધીના તમામ રાજ્યોના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
60% કન્સેસન આપવાની માગ
આ પ્રસંગે દેશભરના ટ્રાન્સપોર્ટરોની મળેલી બેઠકમાં હાઇવે ઓથોરિટી દ્વારા નેશનલ હાઈવે પરથી વસૂલવામાં આવી રહેલા 100 ટકા ટોલટેક્સના વિરોધમાં સરકારને ઉગ્ર રજૂઆતો કરી હતી. નિયમ મુજબ અવધી પૂર્ણ થઈ ગયા બાદ 100 ટકાને બદલે 40% જ ટેક્સ વસૂલવો જોઈએ જ્યારે 60 ટકા કંસેશન આપવું જોઈએ. પરંતુ તેમ છતાં હાઇવે ઓથોરિટી દ્વારા તમામ નીતિ નિયમોને નેવી મૂકી અને નિયમોનો ભંગ કરી 60 ટકા કંસેશન આપ્યા વિના જ 100% ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. આથી ટ્રાન્સપોર્ટરોને રોજના કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. આથી 60 ટકા કંસેસન આપવાની માંગ સાથે આજે ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દ્વારા બગવાડા ટોલનાકા પર ટોલ પ્લાઝાના સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને 60% કન્સેસન આપવાની માંગ કરવામાં આવી હતી.
આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ
જો 21 દિવસ સુધી ટ્રાન્સપોર્ટરોની માંગ સંતોષવામાં નહીં આવે તો 21 દિવસ બાદ દેશભરના ટ્રાન્સપોર્ટરો નેશનલ હાઇવે નંબર 48 પરના તમામ વાહન વ્યવહાર બંધ કરી દેશે તેવી ચીમકી પણ આપી હતી. આમ હવે આ નેશનલ હાઈવે પર વસૂલવામાં આવતા 100 ટકા ટોલટેક્સના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ 60 ટકા કન્સેસન આપવાની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. અને આગામી સમયમાં જો ટ્રાન્સપોર્ટરોની માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવું લાગી રહ્યું છે. અત્યારે તો ટ્રાન્સપોર્ટરો પોતાની માંગ પર અડગ રહી અને 60 ટકા કન્સેસન આપવા સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે.