Panchmahal: નદીમાં રેતી ભરવા ગયો ટ્રકને આવી ગયું પૂર,11 કલાક સુધી ફસાયેલા યુવકની મદદે આવી SDRFની ટીમ
પંચમહાલ: આજે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. પંચમહાલમાં ગોધરામાં પણ સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
પંચમહાલ: આજે હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. પંચમહાલમાં ગોધરામાં પણ સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન ગોધરાના દહિકોટ ગામની પાનમ નદીમાં રેતી ભરવા ગયેલો ટ્રક ફસાયો હતો. 11 કલાકની ભારે જહેમત બાદ પાનમ નદીમાં ફસાયેલા યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. ક્લીનરને બચાવવા માટે SDRFના 20 સભ્યોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાનમ નદીમાં અચાનક પાણી આવી જતાં રેતી ભરવા ગયેલ ટ્રક ફસાઈ હતી. પાણીનાં ઘસમસતા વ્હેણ વચ્ચે ટ્રક ફસાઈ હતી.
ગોધરામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે કેટલાક જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલના ગોધરામાં સવારે 10 વાગ્યા સુધીમાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગોધરા APMCમાં શાકભાજીના થેલા વરસાદી પાણીમાં વહેતા થયા છે.
ખેડાના નડિયાદમાં માત્ર એક કલાકના વરસાદમાં નીચાણવાળા વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. નડિયાદ ના રબારીવાડ વિસ્તાર, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં પાણી ભરાયા છે. નડિયાદના ચારેય ગરનાળામાં પાણી ભરાવાના કારણે નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા લોકો અને વાહનો લઈને જતા નાગરિકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો. નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિક નાગરિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કર્યું હતું.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. મોડાસાના ડીપ, ચારરસ્તા, માલપુરરોડ સહિત વિસ્તારમાં વરસાદ છે. ગ્રામ્ય પંથક સબલપુર,લાલપુર સહિતના પંથકમાં વરસાદ છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંકક પ્રસરી છે.
ડાંગ જિલ્લામાં ચોમાસાના વધામણાં
ડાંગ જિલ્લામાં બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહી મુજબ થયેલા વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાપુતારા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત થઈ હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial