ગોપાલ ઈટાલિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે કે નહીં ? ઈસુદાન ગઢવીની મોટી જાહેરાત
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે રાજીનામાની રાજનીતિ ચાલી રહી છે.
Gopal Italia: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે રાજીનામાની રાજનીતિ ચાલી રહી છે. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની હતી. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે ગોપાલ ઈટાલિયા રાજીનામું નહીં આપે.
આમ આદમી પાર્ટી દ્વારા એક્સ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ ભાજપના લોકો બેબાકળા બન્યા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના રાજીનામાની અફવાઓ ફેલાવી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી.
વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી પ્રચંડ જીત બાદ ભાજપના લોકો બેબાકળા બન્યા છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય @Gopal_Italia ના રાજીનામાની અફવાઓ ફેલાવી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi ની પ્રતિક્રિયા pic.twitter.com/39TBDLYtnf
— AAP Gujarat (@AAPGujarat) July 12, 2025
રાજીનામું શરતી: ગોપાલ ઇટાલીયાની હાજરી પર નિર્ભર
આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે. તેમણે જાહેરાત કરી છે કે જો પદનામિત MLA ગોપાલ ઇટાલીયા ત્યાં આવશે, તો જ તેઓ રાજીનામું આપશે. જો ગોપાલ ઇટાલીયા હાજર નહીં થાય, તો અમૃતિયા પોતાનું રાજીનામું નહીં આપે.
અમૃતિયાનો ખુલ્લો પડકાર: 'આવો ગોપાલ, ભેગા રાજીનામું આપીએ!'
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ચોખ્ખું કહી દીધું હતું કે, "આવતા સોમવારે હું ને ગોપાલભાઈ બેય વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ. રાજીનામા આપ્યા પછી, મોરબીમાં આપણે ચૂંટણી લડીએ." અમૃતિયાએ પોતાની વાતમાં ભાર મૂકતા કીધું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!"
'તમે એકવાર ચૂંટાયા, હું સાત વાર લડ્યો છું!'
કાંતિ અમૃતિયાએ આ નિવેદન ગોપાલ ઇટાલિયાને આપ્યું, ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. એમણે કીધું કે, "તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું." એમણે ઉમેર્યું કે, "આવતા સોમવારે અધ્યક્ષની સામે આપણે રાજીનામું આપી દઈએ, પછી ચૂંટણી આવે એટલે ખબર પડી જાય કોનામાં કેટલો દમ છે!"
અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"




















