Afghanistan : ભારતીય વાયુ સેનાનું સી-17 વિમાન જામનગર આવી પહોંચ્યું
ફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલીફ્ટ કરી આ પ્લેન જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે.
જામનગરઃ આજે સવારે ભારતીય વાયુસેનાના સી-17 વિમાને કાબુલથી 120થી વધુ ભારતીય અધિકારીઓ સાથે ઉડાન ભરી છે. અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોને એરલીફ્ટ કરી આ પ્લેન જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યું છે. કર્મચારીઓને ગઈ કાલે સાંજે જ એરપોર્ટના સુરક્ષિત વિસ્તારમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, અફઘાનિસ્તાનમાં કેટલાય ભારતીયો, જે ભારત પરત ફરવા માંગે છે, તે સુરક્ષિત ક્ષેત્રમાં છે અને તેમને એક કે બે દિવસમાં સુરક્ષિત ભારત લવાશે.
અફઘાનિસ્તાન પર UNSC આપાતકાલિન બેઠકમાં ભારતના રાજદૂત ટીએસ ત્રિમૂર્તિએ કહ્યું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિત ભારત માટે ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાનમાં પુરુષ-મહિલા અને બાળકો ડરેલા છે. તે તમામને પોતાના ભવિષ્યને લઇને અસમંજસમાં છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો કરી લીધો છે. બીજી તરફ અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આવા સમયે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને ઇ-ઇમરજન્સી વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દિધો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોની સમીક્ષા કરાઇ છે તથા મોટું એલાન કરાયું છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી ‘e-Emergency X-Misc Visa’ શરૂ કરાયા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવાયો છે.