અમદાવાદ પ્લેન ક્રેશ: સિવિલ હોસ્પિટલની હોસ્ટેલ મેસમાં જમી રહેલા ૩ MBBS ડોક્ટર સહિત ૪ના કરુણ મોત
અતુલ્ય હોસ્ટેલ પર વિમાન પડતાં ૪૫ લોકો ઘાયલ, આઘાતજનક ઘટનાથી તબીબી વર્તુળોમાં શોકનો માહોલ.

Ahmedabad plane crash doctors killed: આજે બપોરે અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી અતુલ્ય હોસ્ટેલની મેસ (કેન્ટીન) પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો ભાગ પડતા, ત્યાં જમી રહેલા ત્રણ MBBS ડોક્ટર અને એક ડોક્ટરની પત્નીનું કરુણ મૃત્યુ થયું છે. આ ઘટનામાં મેસમાં હાજર અન્ય ૪૫ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
મૃત્યુ પામેલા ડોકટરોમાં આયરન રાજપૂત, માનવ ભાદુ અને રાકેશ દિયોરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, એક ડોક્ટરની પત્ની પણ આ ઘટનામાં મૃત્યુ પામી છે, જે મેસમાં હાજર હતા. વિમાનનો આગળનો ભાગ સીધો હોસ્ટેલની મેસ સાથે અથડાયો હતો, જેના કારણે મેસમાં ભારે તબાહી મચી ગઈ હતી અને મોટી જાનહાનિ થઈ હતી.
આ આઘાતજનક ઘટનાથી તબીબી વર્તુળો અને સિવિલ હોસ્પિટલ પરિસરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે, આજે બપોરે અમદાવાદમાં બનેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં શોકનો માહોલ છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-૧૭૧ ટેકઓફ થતાં જ ક્રેશ થઈ ગઈ, જેમાં ૨૪૨ લોકો સવાર હતા. અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘટનાસ્થળે ચારે બાજુ મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે, અને તેમની ઓળખ કરવી પણ અત્યંત મુશ્કેલ બની ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે મૃતકોની ઓળખ કરવા માટે તેમના સંબંધીઓને DNA નમૂના આપવા અપીલ કરી છે.
દુર્ઘટનાની વિગતો
સમાચાર એજન્સી IANS અનુસાર, એર ઈન્ડિયાનું બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રનવે ૨૩ પરથી બપોરે ૧૩.૩૯ વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફના થોડા સમય પછી જ, પાયલટે 'મેડે' (MAYDAY) કોલ જારી કર્યો હતો, જે કટોકટીનો સંકેત હતો, પરંતુ ત્યાર બાદ કોકપીટમાંથી કોઈ વધુ સંદેશાવ્યવહાર થયો ન હતો.
આ વિમાનનું પાયલોટ કેપ્ટન સુમિત સભરવાલ હતા, જેમને ૮,૨૦૦ કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે ૧,૧૦૦ કલાક ઉડાન ભરી હતી. આ અકસ્માત અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર નજીક થયો હતો. ટેક-ઓફ દરમિયાન વિમાન ક્રેશ થતાં જ સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, જે ભારે નુકસાનનો સંકેત હતો.
બચાવ કાર્ય અને સત્તાવાર નિવેદનો
વિમાન ક્રેશ થયા પછી તરત જ, ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. અકસ્માત સમયે, વિમાનમાં ૨૩૦ મુસાફરો, ૧૦ કેબિન ક્રૂ અને બે પાયલટનો સમાવેશ થાય છે.
એર ઈન્ડિયાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ 'X' પર જણાવ્યું હતું કે, "ફ્લાઇટ AI171 અમદાવાદથી લંડન ગેટવિક જઈ રહી હતી. આજે ૧૨ જૂને તેનો અકસ્માત થયો છે. અમે હાલમાં વિગતોની તપાસ કરી રહ્યા છીએ અને આ બાબતે વધુ માહિતી અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' અને એર ઇન્ડિયાની વેબસાઇટ પર શેર કરીશું." એર ઇન્ડિયાએ AI-171 માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ પણ જારી કર્યો છે.




















