અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય
82% વસ્તી માટે ઓછી સહાય, જ્યારે 18% વસ્તીવાળા બિન અનામત આયોગને વધુ ફાળવણી: નેતા વિપક્ષનો આક્ષેપ.

amit chavda gujarat budget 2025: ગુજરાત વિધાનસભાના નેતા વિપક્ષ અમિત ચાવડાએ રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે સરકાર SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટ ફાળવણીમાં અન્યાય કરી રહી છે. ચાવડાએ દાવો કર્યો છે કે 82 ટકા વસ્તી ધરાવતા આ સમાજ માટે બનાવેલા 9 નિગમોને ઓછી સહાય આપવામાં આવે છે, જ્યારે માત્ર 18 ટકા વસ્તી ધરાવતા બિન અનામત આયોગને વધુ નાણાં ફાળવવામાં આવે છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "વર્તમાન સરકાર SC, ST, OBC વર્ગ સાથે બજેટમાં સતત અન્યાય કરી રહી છે. 82 ટકા વસ્તી ધરાવતા આ સમાજ માટે સરકારે 9 નિગમની રચના કરી છે, જ્યારે 10માં બોર્ડ તરીકે બિન અનામત આયોગની રચના કરવામાં આવી છે. પરંતુ સરકારની નીતિ અને નિયત SC, ST, OBC સમાજ વિરોધી છે."
ચાવડાએ આંકડા ટાંકીને પોતાની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વર્ષ 2023માં સરકારે 9 નિગમોને લોન પેટે 178 કરોડ રૂપિયા અને સહાય પેટે 19.25 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જેમાંથી 50.98 કરોડ રૂપિયા એટલે કે 28.68 ટકા રકમ વણવપરાયેલી રહી હતી. તેનાથી વિપરીત, બિન અનામત આયોગને વર્ષ 2023માં 625 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 49.92 કરોડ રૂપિયા એટલે કે 6 ટકા રકમ જ વણવપરાયેલી રહી હતી.
વર્ષ 2024ના આંકડા રજૂ કરતા ચાવડાએ જણાવ્યું હતું કે, 9 નિગમોને 237 કરોડ રૂપિયાની લોન અને 19.25 કરોડ રૂપિયાની સહાય ફાળવવામાં આવી હતી, જેમાંથી 111.57 કરોડ રૂપિયા એટલે કે 47 ટકા રકમ વણવપરાયેલી રહી હતી. જ્યારે બિન અનામત આયોગને વર્ષ 2024માં 500 કરોડ રૂપિયાની લોન અને 75 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 19.44 કરોડ રૂપિયા એટલે કે 3 ટકા રકમ જ વણવપરાયેલી રહી હતી.
અમિત ચાવડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે 18 ટકા વસ્તી ધરાવતા 10માં નિગમને વધારે સહાય આપવામાં આવે છે, જ્યારે 82 ટકા વસ્તી ધરાવતા 9 નિગમોને ઓછી સહાય મળે છે. આ સરકારનું 82 ટકા વસ્તી ધરાવતા ST, SC, OBC અને માઇનોરીટી સમાજ પ્રત્યેનું ઓરમાયું વર્તન છે."
આ પણ વાંચો....





















