Gujarat: હવે ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળને તાલુકો બનાવાશે, રજૂઆત બાદ કવાયત શરૂ
છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લી જિલ્લામાં આવેલું ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળ શામળાજીને તાલુકો બનાવવાની માંગ થઇ રહી હતી,
Aravalli SHAMLAJI, Gujarat: ગુજરાતમાં વિભાજની કામગીરી શરૂ થઇ રહી છે, આ અંતર્ગત છેલ્લા કેટલાય વર્ષોથી જે જે સ્થળોને તાલુકા જાહેર કરવાની માંગ કરવામા આવી રહી હતી, તેને લઇને હવે વહીવટી તંત્ર એક્શન મૉડમાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાય વર્ષોથી અરવલ્લી જિલ્લામાં આવેલું ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્થળ શામળાજીને તાલુકો બનાવવાની માંગ થઇ રહી હતી, વર્ષ 2003થી લોકો શામળાજીને અલગ તાલુકો બનાવવા માટે માંગ કરી હતી, જોકે હવે આ માંગને બહુ જલદી સંતોષવામાં આવી શકે છે. હાલમાં અરવલ્લીનું યાત્રાધામ શામળાજી અત્યારે જિલ્લાના ભિલોડા તાલુકામાં સામેલ છે, જોકે, હવે વહીવટી તંત્ર દ્વારા શામળાજીને ભિલોડામાંથી વિભાજન કરીને અલગ કરવા કવાયત હાથ ધરી છે. 4 જિલ્લા પંચાયતના ૭૦ થી વધુ ગામ શામળાજીમાં સમાવવા અભિપ્રાય મંગાયો છે, અને આ અંગે ટીડીઓએ ડે.ડીડીઓને લેખિતમાં આપી માહિતી છે.
ગોઝારિયા તાલુકો બનાવવાને લઇને પણ ચાલી રહ્યો છે વિવાદ
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી ગોઝારિયાને તાલુકો બનાવવાને લઇને વિવાદ સર્જાયો છે. આજે હવે આ મામલે એક નવો વળાંક સામે આવ્યો છે. ગોઝારિયા તાલુકો બને તે પહેલા અહીં ગોઝારિયામાં સમાવિષ્ટ ગામ લાંઘણજના લોકોએ તંત્ર સામે બાંયો ચઢાવી છે. લાંઘણજના લોકોનું કહેવું છે કે, ગોઝારિયાને નહીં અમને તાલુકો બનાવો, કેમ કે અમારુ સમર્થન સૌથી વધુ છે.
મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લામાં ગોઝારિયા તાલુકો બને તે પહેલા વિવાદોએ ઘર કર્યું છે. અહીં હાલમાં ભેંસ ભાગોળો અને છાશ છાગોળે જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ગોઝારિયા હજુ તાલુકો બન્યો નથી ત્યાં તો હવે લાંઘણજને તાલુકો બનાવવા માગણી ઉઠી છે. અત્યારે કલેકટર દ્વારા ગોઝારિયાને તાલુકો બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે આ તાલુકામાં સમાવિષ્ટ થનાર લાંઘણજ ગામના લોકોએ તાલુકો બનાવવા માગણી કરી દીધી છે. લાંઘણજ ગ્રામજનોએ માત્ર માંગણી જ નથી કરી પરંતુ તેમને જિલ્લા કલેકટરને આ અંગે લેખિત રજૂઆત કરી તાલુકો બનાવવા માંગ કરી છે. લાંઘણજ ગ્રામજનોનું કહેવું છે કે, ગોઝારિયા નહીં પરંતુ અમારા ગામને સૌથી વધુ સમર્થન છે માટે અમારા ગામને તાલુકો બનાવવો જોઇએ. ગોઝારિયાની વચ્ચે હવે લાંઘણજને તાલુકો બનાવવાની માંગને લઇને ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે.
મહેસાણા જિલ્લામાં ફરી એકવાર ગોઝારિયા નવો તાલુકો બનાવવા કવાયત હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોઝારિયાને તાલુકો જાહેર કર્યા બાદ તેનો વિરોધ થયો હતો. 2012મા સરકારે ગોઝારિયાને તાલુકા મથક બનાવી કચેરી માટે જરુરી મહેકમ મંજુર પણ કર્યુ હતું. હવે વિજાપુર, માણસા, મહેસાણા, વિસનગર, કડી, કલોલ તાલુકાના ગામો નવા તાલુકામાં લેવાશે. મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારિયા ગામને તાલુકાનો દરજ્જો આપવાનું ભૂત અનેકવાર ધૂણ્યું છે. ત્યારે આ અંગે હવે મોટી હલચલ સરકાર તરફથી થઈ છે. રાજ્ય સરકાર પાસે વધુ એક તાલુકો બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. મહેસાણા જિલ્લાના ગોઝારિયાને તાલુકો બનાવવાની દરખાસ્ત સરકાર સમક્ષ મુકાઇ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દરખાસ્તને આધારે સૂચનો મંગાવ્યા છે.