બનાસકાંઠામાં NDRFનું દિલધડક રેસ્ક્યૂ, પાણીના વહેણમાં ગાડીઓ સાથે તણાયેલા 7 લોકોને બચાવાયા, તસવીરો.....
બિપરજૉયના કેર બાદ વરસેલા વરસાદે આખા ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખ્યુ છે, આમાં સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યુ છે,
Biporjoy: વાવાઝોડા બાદ આવેલ વરસાદી આફતે બનાસકાંઠાને સળંગ બે દિવસથી ઘમરોળ્યુ છે, બનાસકાંઠામાં ઠેર ઠેર મોટી નુકસાનીની તસવીરો સામે આવી રહી છે, હવે આ મામલે જિલ્લાના ધાનેરામાંથી NDRF ટીમ દ્વારા કરવામાં આવેલી દિલધકડ રેક્યૂની તસવીરો સામે આવી છે, જે ખરેખર પ્રસંશનીય કામગીરી છે. NDRFની ટીમે ગઇરાત્રે વરસેલા વરસાદના વહેણમાં તણાયેલા લોકોનો અબાદ બચાવ કર્યો હતો.
માહિતી એવી છે કે, બિપરજૉયના કેર બાદ વરસેલા વરસાદે આખા ઉત્તર ગુજરાતને ઘમરોળી નાંખ્યુ છે, આમાં સૌથી વધુ નુકસાન બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યુ છે, કેટલાક ગામોમાં પાણી ફરી વાળ્યા છે, અને સંપર્ક વિહોણા બન્યા છે. જિલ્લાના ધાનેરા તાલુકાના આલવાડા ગામમાં ગઇરાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો, અને કારણે પાણી ભરાઇ ગયુ હતુ,
આ દરમિયાન અહીં 8 લોકો, એક ઇકો અને એક બૉલરો ગાડી આ પાણીના વહેણમાં તણાઇ હતી. ધાનેરાના આલવાડામાં વહેણમાં ફંસાયેલા આ 8 લોકોને NDRFની ટીમે ગામલોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી, આ દરમિયાન વહેણમાં ઇકો ગાડી, બૉલરો ગાડી અને કુલ આઠ લોકોમાંથી સાત લોકોને રેસ્ક્યૂ કરીને સહીસલામત બચાવી લેવામાં આવ્યા હતા, ઇક્કો ગાડીનો ડ્રાઈવર મળી શક્યો નહતો, તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠામાં તોફાની તારાજી
વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે, અને અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ આના કારણે બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે. અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.