ગુનેગારોના ઘર પર બુલડોઝર કાર્યવાહી સામે ભાજપ નેતાએ જ ઉઠાવ્યા સવાલ
bulldozer action BJP: ડોક્ટર ભરત કાનાબારે ગુંડાતત્વોના પરિવારને સજા આપવાને ગેરવાજબી ગણાવ્યું, કોંગ્રેસ નેતાનું સમર્થન.

Bharat Kanabar news: રાજ્યમાં ગુનેગારો અને અસામાજિક તત્વોના ઘર પર પ્રશાસન દ્વારા કરવામાં આવતી બુલડોઝર કાર્યવાહી સામે હવે ભાજપના એક નેતાએ જ સવાલ ઉઠાવ્યા છે. ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કાર્યવાહી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
ડોક્ટર ભરત કાનાબારે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી એ ચોક્કસપણે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારોના ઘર પર બુલડોઝર ફેરવીને તેમના પરિવારને સજા આપવી એ કોઈપણ રીતે વ્યાજબી નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આપણે મધ્ય યુગમાં નથી જીવી રહ્યા અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.
પોતાની લાગણી વ્યક્ત કરતાં ડોક્ટર ભરત કાનાબારે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, "બુલડોઝર જસ્ટીસ ઈઝ નો જસ્ટીસ ! અસામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર ચલાવી તેના પરિવારને બેઘર કરવાની વૃતિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીનો એક કાચ તુટે તો પણ હલબલી જઈએ છીએ.. ચોમાસામાં છત પરથી કયાંક થોડુ અમથુ પાણી ચુવે તો જેમની ઉંઘ હરામ થઈ જાય છે તેવા આપણે સૌ કોઈ ગરીબના ઘર પર છત જ ન રહે તે જોયા પછી પણ નિરાંતે ઉંઘી શકીએ છીએ.. પરપીડનનો આ પિશાચી આનંદ લેતા પહેલા આપણે સૌ આપણી જાતને કેટલાક સવાલો પૂછીએ.."
પ્રશાસનની આ બુલડોઝર કાર્યવાહી પર ડોક્ટર ભરત કાનાબારે ઉઠાવેલા આ સવાલો પર કોંગ્રેસના નેતા વીરજી ઠુમ્મરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભરતભાઈએ ગરીબોની ચિંતા કરી તે ખૂબ જ સારી બાબત છે. તેમણે ભાજપની નીતિ રીતિને ગરીબો વિરુદ્ધની ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં રાજ્યમાં ગુનાખોરીને ડામવા માટે પ્રશાસન દ્વારા ગુનેગારોની ગેરકાયદેસર સંપત્તિઓ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને અમુક વર્ગો દ્વારા સમર્થન મળી રહ્યું છે, જ્યારે કેટલાક લોકો તેને માનવાધિકારોનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. હવે ભાજપના જ એક નેતા દ્વારા આ રીતે સવાલ ઉઠાવવામાં આવતા આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભચાઉના શિવલખા ગામે કુખ્યાત ગુનેગારો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી હોટલને પૂર્વ કચ્છ પોલીસે બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરી દીધી છે.





















