ભાજપમાં ભડકોઃ નારણ કાછડિયાને ભરત સુતરીયાનો જવાબ – આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે તે તમે જાણો જ છો...
સુતરિયાએ પત્રમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્લામેન્ટ્રી બોર્ડનું છે.
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ ભાજપમાં શરૂ થયો છે ભડકો. તેમાંય અમરેલી જિલ્લામાં તો ભાજપમાં વિખવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. બે દિવસ પૂર્વે અમરેલીના વર્તમાન સાંસદ નારણ કાછડિયાએ જાહેર મંચ પર અમરેલીના ઉમેદવારની પસંદગી સવાલ ઉઠાવ્યા હતાં. આ સાથે પ્રદેશ ભાજપની નેતાગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતાં. હવે ભાજપના અમરેલી બેઠકના ઉમેદવાર ભરત સુતરિયાએ કટાક્ષ ભર્યા પત્ર લખી કાછડિયાને જવાબ આપ્યો છે.
સુતરિયાએ પત્રમાં કહ્યું કે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવાર નક્કી કરવાનું કામ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્લામેન્ટ્રી બોર્ડનું છે. તમે જે આરોપ લગાવો છો તે પરથી સ્વભાવિક રીતે પાર્લામેન્ટ્રી બોર્ડનું પણ અપમાન થઈ રહ્યું છે. તો એ પણ ઉલ્લેખ કર્યો કે નારણભાઈ કાછડિયા તમે સારી રીતે તમારી ટિકિટ કપાવવાનું કારણ શું છે તે જાણો છો ત્યારે સત્ય હકીકત લોકો સુધી પહોંચાડવાનો આશાવાદ વ્યકત કર્યો છે. આ સાથે સુતરિયાએ પણ આરોપ લગાવ્યો કે જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે તમને થેન્ક્યુ કહ્યું છે. આ સાથે સુતરિયા કાછડિયાને કેટલીવાર થેન્ક્યુ કહ્યું તે અંગે પણ પત્રમાં યાદ કરાવ્યું હતું.
પત્રમાં ભરત સુતરીયાએ શું લખ્યું....
જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક્યુ કહેલું, જે આપને ભુલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે,
* જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક્યુ કહ્યું હતું.
* ૨૦૧૦ના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો મમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કીધેલું,
* ૨૦૨૧માં જિલ્લા પંચાયતની ટીકીટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક્યુ કહેલું.
* ૨૦૨૩ના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક્યુ કીધેલુ.
તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક્યુ કહ્યું છે.
વધુમાં,જ્યારે દેશમાં લોકસભા (સાંસદ)ની ચુંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી.નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો, આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનુ પણ અપમાન કરી રહ્યા છો. નારણભાઈ કાછડીયા, આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવવાનું કારણ શું છે ?...આપ સત્યથી પરિચિત જ છો,જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા.
ફરી એકવાર અને આખરી વાર થેન્ક્યુ, નારણભાઈ કાછડીયા...