Surendranagar: શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળતા હડકંપ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચૂડા રોડ પરથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ કે, યુવકની સાથે રહેલ બાળક જીવિત હાલતમાં મળી આવ્યો છે.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-ચૂડા રોડ પરથી એક યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા હડકંપ મચી ગયો હતો. ચોંકાવનારી વાત એ કે, યુવકની સાથે રહેલ બાળક જીવિત હાલતમાં મળી આવ્યો છે. 30 વર્ષીય લાલજીભાઈ સાઢમીયા સાયલાના રહેવાસી હતા. ભગુપુર ગામમાં તેમનું સાસરું હતું. ગઈકાલે બાળક સાથે તેઓ બાઈક પર નીકળ્યા હતા. આ સમયે ભગુપુર ગામ તરફના રસ્તા પર તેમની સંદિગ્ધ હાલતમાં લાશ મળી આવી છે. પરિવારજનોનો આરોપ છે કે, અજાણ્યા શખ્શે તેમને બોલાવી હત્યા કરી નાંખી છે. હાલ તો પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
લીંબડીના ભગુપુર ગામ તરફ જવાના રસ્તે બાઈક સાથે ઈજાગ્રસ્ત હાલતમાં યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના અડાજણમાં સિગારેટ પીવા બાબતે તકરાર બાદ યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
સુરતના અડાજણ વિસ્તારમાં ચાઇનીઝનું પાર્સલ આપવા માટે ગયેલા બે મિત્રો પર ત્રણ જેટલા શખ્સોએ સિગારેટ પીવા બાબતે થયેલ તકરારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી એક મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઇ છે. માત્ર સિગારેટ પીવા બાબતે થયેલ સામાન્ય બોલાચાલ બાદ યુવકની હત્યા કેસમાં અડાજણ પોલીસે બે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મળી કુલ ત્રણ હત્યારઓની ધરપકડ કરી છે. આગળની તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો
સુરતના અડાજણ સ્થિત શુભ લક્ષ્મી હાઈટ્સની પાસે આવેલા મહાદેવનગર કોલોની નજીક બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમય દરમિયાન જીતુ કાલીયા પ્રધાન નામના યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. અડાજણ પોલીસ મથકના એસીપી બી.એમ.ચૌધરીના જણાવ્યા અનુસાર, બીજી ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે જીતુ કાલીયા પ્રધાન અને તેનો મિત્ર સુનિલ વસાવા ચાઈનીઝનું પાર્સલ લઇ વિશાલ વસાવાને આપવા માટે ગયા હતા. જે દરમિયાન વિશાલ વસાવા અને જીતુ કાલીયા પ્રધાન સિગારેટ પીવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો.
ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો
આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જીતુ કાલીયા પ્રધાન પર આરોપી વિશાલ વસાવા અને તેની સાથેના મિત્રો વિકાસ દિનેશ નાયકા, યસ ઉર્ફે ગોટુ મુકેશ જાદવે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓ દ્વારા જીતુ કાલીયા પ્રધાન અને તેના મિત્ર સુનિલ વસાવા પર ચપ્પુ વડે હુમલો કરતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જીવલેણ હુમલાની આ ઘટના બાદ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનામાં વિશાલ વસાવાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.