વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:વેનેઝુએલામાં બીજી એક મોટી ઘટનાની જાણ થઈ છે, જેમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન નજીક ફાયરિંગ થયું છે અને ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ છે.

Venezuela Crisis: વેનેઝુએલાની રાજધાની કારાકાસથી વધુ એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની ધરપકડ બાદ, રાષ્ટ્રપતિ મહેલમાં અને તેની આસપાસ અંધાધૂંધ ફાયરિંગ થયું છે. છેલ્લા 45 મિનિટથી ગોળીબાર સંભળાઈ રહ્યો છે. ડ્રોન અને વિમાનોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારો વીજ પૂરવઠો ખોરવાયો છે. અધિકારીઓએ ઘટનાસ્થળ વિશે કોઈ માહિતી જાહેર કરી નથી.
અમેરિકા ઘટનામાં સામેલ નથી: વ્હાઇટ હાઉસ
આ અચાનક ગોળીબાર અને હવાઈ ગતિવિધિ પછી, વિશ્વનું ધ્યાન અમેરિકા પર કેન્દ્રિત થયું. જોકે, વ્હાઇટ હાઉસે તરત જ આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં એક નિવેદન બહાર પાડ્યું છે, જેમાં જણાવ્યું કે, અમેરિકા તેમાં સામેલ નથી.
આ ઘટના 3 જાન્યુઆરીએ અમેરિકાના "ઓપરેશન એબ્સોલ્યુટ રિઝોલ્યુશન" હેઠળ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ થયાના થોડા સમય પછી બની હતી. માદુરો હાલમાં ન્યૂયોર્કની જેલમાં છે, જ્યારે ડેલ્સી રોડ્રિગ્ઝે વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.
અમેરિકાના હુમલામાં 80 લોકોના મોત
દરમિયાન, વેનેઝુએલામાં નિકોલસ માદુરોની ધરપકડ કરવા માટે અમેરિકાના લશ્કરી કાર્યવાહી અને તેના પરિણામે થયેલી હિંસામાં નોંધપાત્ર જાનમાલનું નુકસાન થયું છે. તાજેતરના આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 80 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં મુખ્યત્વે રાષ્ટ્રપતિ માદુરોના રક્ષણ માટે તૈનાત રાષ્ટ્રપતિ ગાર્ડના સભ્યો અને યુએસ સ્પેશિયલ ફોર્સની કાર્યવાહીનો પ્રતિકાર કરનારા વેનેઝુએલાના લશ્કરી સૈનિકોનો સમાવેશ થાય છે. વધુમાં, કારાકાસમાં રહેણાંક વિસ્તારો નજીક ભારે ગોળીબારમાં અસંખ્ય નાગરિકો અને કેટલાક બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે.





















