બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Breaking News:વર્ષ 2025ના અંત સુધીમાં સરકાર નવા જિલ્લાની જાહેરાત કરશે. અમદાવાદ સહિત આ શહેરનું વિભાજન થઇને નવા જિલ્લાની રચનાની સરકારની યોજના છે.
Breaking News:બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ વિભાજન થશે,હજુ 4થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું વિભાજન થઈ શકે.કચ્છ, મહેસાણા જિલ્લાનું પણ વિભાજન થઇ શકે છે.અમદાવાદ શહેરને અલગ જિલ્લો બનાવાય તેવી શક્યતા છે. વર્ષ 2025ના અંત સુધીમાં સરકાર નવા જિલ્લાની જાહેરાત કરશે.
ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કૉંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.
તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.
થરાદ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી જ્યારે કાંકરેજ વિસ્તારમાં આ નિર્ણયને લઈ નારાજગી જોવા મળી હતી. કાંકરેજના લોકોની માંગ છે કે કાંકરેજ તાલુકાનો સમાવેશ પાટણ જિલ્લામાં કરવામાં આવે કારણ કે કાંકરેજથી થરાદનું અંતર 80 કિલોમીટર કરતાં પણ વધારે છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કાંકરેજમાં સરકારના નિર્ણય સામે આંદોલનના સૂર પણ ઉઠ્યા હતા. કાંકરેજનો વાવ-થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ થાય તેવી મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરાઈ.