બજેટ 2025-26માં ગુજરાતને શું મળ્યું? MSME, સ્ટાર્ટઅપ્સ, ખેડૂતો અને મત્સ્યોદ્યોગને ફાયદા
MSME સેક્ટરને પ્રોત્સાહન, સ્ટાર્ટઅપ્સ માટે નવી યોજના, ખેડૂતો અને મત્સ્યઉદ્યોગને પણ ફાયદા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025-26નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે, જેમાં ગુજરાત માટે અનેક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. આ બજેટમાં રાજ્યના MSME સેક્ટર, સ્ટાર્ટઅપ્સ, કપાસના ખેડૂતો અને મત્સ્યોદ્યોગને મોટા ફાયદાઓ આપવામાં આવ્યા છે.
MSME અને સ્ટાર્ટઅપ્સ માટે મોટી જાહેરાત
દેશમાં 1 કરોડથી વધુ રજિસ્ટર્ડ MSMEs છે, જે દેશની કુલ નિકાસના 45 ટકા માટે જવાબદાર છે. આ MSMEsને મદદરૂપ થવા માટે, બજેટમાં તેમના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવર મર્યાદા વધારવામાં આવી છે. ગુજરાતમાં લગભગ 19 લાખથી વધુ MSMEs નોંધાયેલા છે, અને બજેટની આ જાહેરાતથી તેમની કાર્યક્ષમતા વધારવામાં મદદ મળશે.
નવા ઉદ્યોગસાહસિકો માટે 'ફર્સ્ટ ટાઇમ એન્ટરપ્રેન્યોર્સ સ્કીમ' જાહેર કરવામાં આવી છે, જેનો લાભ રાજ્યની મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉદ્યોગસાહસિકોને મળશે. આ યોજના હેઠળ 5 લાખ જેટલા ઉદ્યોગસાહસિકોને ₹2 કરોડની ટર્મ લોન આપવામાં આવશે.
MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવરની રકમ પણ વધારવામાં આવી છે, જેનાથી તેઓને ધિરાણ મેળવવામાં સરળતા રહેશે.
ગિફ્ટ સિટીને પ્રોત્સાહન
ગિફ્ટ સિટીમાં કાર્યરત IFSCમાં વધારાની પ્રવૃત્તિઓને આકર્ષવા માટે વિશેષ લાભો આપવામાં આવ્યા છે. IFSCમાં કાર્યરત નાણાકીય એકમોને એક્ઝમ્પશન, ડિડક્શન અને રિલોકેશનની જોગવાઈઓ 31મી માર્ચ, 2030 સુધી લંબાવવામાં આવી છે.
કૃષિ ક્ષેત્રે લાભ
બજેટમાં કોટન પ્રોડક્ટિવિટી મિશનની જાહેરાત કરવામાં આવી છે, જે કપાસની ઉપજ વધારવા માટે મદદરૂપ થશે. ગુજરાત કપાસના ઉત્પાદનમાં દેશનું અગ્રેસર રાજ્ય છે, અને આ યોજનાથી રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે, જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરશે.
બાગાયતી પાકોના ઉત્પાદનો માટે એર કાર્ગો અને વેરહાઉસિંગ સુવિધાઓને અપગ્રેડ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કનેક્ટિવિટી અને ટુરિઝમ
ઉડાન યોજના હેઠળ આગામી 10 વર્ષોમાં 120 નવા એરપોર્ટ્સ બનાવવામાં આવશે, જે ગુજરાતમાં રિજિયોનલ કનેક્ટિવિટીના વિકાસને વેગ આપશે. દેશના ટોચના 50 પ્રવાસન સ્થળોને વિકસિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં બૌદ્ધ વારસા સાથે સંકળાયેલા સ્થળો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
અન્ય જાહેરાતો
કેન્દ્રીય બજેટમાં શિપ બિલ્ડીંગ અને શિપ બ્રેકિંગ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ₹25,000 કરોડના મેરીટાઇમ બોર્ડ ફંડની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન હેઠળ ક્લીન ટેક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
આ પણ વાંચો...
બજેટ 2025: ખેડૂત, મહિલાઓ, મધ્યમ વર્ગ સહિત કોને શું મળ્યું? 20 મુદ્દાઓમાં સમજો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
