ભાજપમાં મોટો ભડકો! કોંગ્રેસના લોકોને માન, અમારા જેવા જૂના કાર્યકર્તાઓને કેમ નહીં? ભાજપના પૂર્વ ધારાસભ્યનો લેટર બોમ્બ
ગુજરાત ભાજપમાં નેતાઓની નારાજગીનો મુદ્દો સમયાંતરે સપાટી પર આવતો રહે છે. આ વખતે, ખેડા જિલ્લાના વરિષ્ઠ નેતા અને કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીના આક્રોશે ચર્ચા જગાવી છે.

Ex-Kathlal MLA BJP controversy: ગુજરાત ભાજપમાં ફરી એકવાર આંતરિક નારાજગીનો મુદ્દો સપાટી પર આવ્યો છે. કઠલાલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા કનુભાઈ ડાભીએ સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 'આયાતી નેતાઓ' ને પક્ષમાં મહત્વ આપવામાં આવે છે, જ્યારે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા જૂના કાર્યકર્તાઓની સતત અવગણના થઈ રહી છે. તેમનો આ વિરોધ માત્ર વ્યક્તિગત નથી, પરંતુ પાર્ટીમાં જૂના કાર્યકર્તાઓના સન્માન અને સમતુલા અંગે ગંભીર સવાલો ઊભા કરે છે.
કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીએ ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થતી હોવાની ફરિયાદ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કરીને જણાવ્યું કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ માન-પાન અને મહત્વ મળે છે. તેમણે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસના 'આયાતી' ઉમેદવારોને મેન્ડેડ આપવા પર સવાલ ઉઠાવ્યા છે. કનુભાઈ પોતે ભાજપમાં જ રહેશે તેમ જણાવ્યું હોવા છતાં, તેમનો આ પત્ર પાર્ટીમાં જૂથવાદ અને જૂના-નવા કાર્યકર્તાઓ વચ્ચેના તણાવનો સંકેત આપે છે.
કનુભાઈ ડાભીની ફરિયાદ
પોતાનો પત્ર સોશિયલ મીડિયા પર મૂકીને કનુભાઈ ડાભીએ જણાવ્યું કે તેમણે જાહેર જીવનમાં બે દાયકાથી વધુ સમય સુધી ભાજપ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, છતાં સ્થાનિક સ્તરે તેમની સતત અવગણના થઈ રહી છે. તેઓ ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તેમ છતાં તેમને અન્યાય થતો હોવાની લાગણી વ્યક્ત કરી છે.
ખેડા દૂધ સંઘની ચૂંટણી અને 'આયાતી' નેતાઓનો મુદ્દો
કનુભાઈએ પોતાની નારાજગીનું મુખ્ય કારણ સહકારી ક્ષેત્રનું રાજકારણ અને ખાસ કરીને ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીને ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે આ ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારો પણ કોંગ્રેસમાંથી આવેલા છે, જ્યારે ભાજપના જ જૂના અને સક્રિય કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી છે. તેમના મતે, પાર્ટી આવા નેતાઓને જ મહત્વ આપે છે, જે વર્ષોથી પાયાના સ્તરે કામ કરી રહેલા કાર્યકરો માટે હતાશાજનક છે.
વ્યક્તિગત નારાજગી કે પાર્ટીનો આંતરિક સંકેત?
કનુભાઈ ડાભીનો આ પત્ર માત્ર તેમની વ્યક્તિગત નારાજગી નથી, પરંતુ તે ભાજપમાં ચાલી રહેલા જૂથવાદ અને જૂના-નવા કાર્યકર્તાઓ વચ્ચેના તણાવનો ગંભીર સંકેત આપે છે. તેમનો પત્ર ખેડા જિલ્લાના મહુધા વિધાનસભાના એક ગ્રુપમાં વાઈરલ થયો છે, જેના કારણે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. પત્રમાં તેમણે પોતાના પૂર્વ ધારાસભ્ય પદની ગરિમા ન જળવાતી હોવાનો અને વિકાસના કામોમાં સંકલન ન મળતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે કનુભાઈ ડાભી 2010 ની પેટાચૂંટણીમાં કઠલાલ બેઠક પરથી 21,547 મતની લીડથી વિજયી થયા હતા, જે ભાજપ માટે આ બેઠક પર પ્રથમ ઐતિહાસિક વિજય હતો. જોકે, 2012 માં તેઓ શંકરસિંહ વાઘેલા સામે 6,597 મતથી પરાજિત થયા હતા. પોતાના પત્રમાં તેમણે પોતે ભાજપમાં જ રહેશે તેમ જણાવ્યું છે, પરંતુ તેમનો આ ખુલ્લો વિરોધ દર્શાવે છે કે પાર્ટીમાં બધું બરાબર નથી.





















