સુંદરતાના નામે 'ફ્રોડ': સરકાર ત્રાટકી, સુરત કેશોદમાં દરોડા! ઓનલાઇન વેચાતું નકલી મેકઅપ ઝડપાયું, ૧ કરોડનો માલ પકડાયો!
સુરત, કેશોદ અને ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી; સોશિયલ મીડિયા દ્વારા ભ્રામક જાહેરાતો કરી ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ કરતા ઇસમો ઝડપાયા.

Fake cosmetics racket busted Gujarat: ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત દવાઓ તેમજ કોસ્મેટિક ઉત્પાદનો મળી રહે તે સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ પ્રયાસના ભાગરૂપે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નકલી કોસ્મેટિક ઉત્પાદકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત સુરત, કેશોદ અને ગાંધીનગર ખાતે દરોડા પાડીને કુલ રૂ. ૧ કરોડની કિંમતનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ આ અંગેની માહિતી આપી હતી.
સોશિયલ મીડિયા પર ભ્રામક જાહેરાતોનું નેટવર્ક
તંત્રને માહિતી મળી હતી કે કેટલાક ઇસમો કોસ્મેટિક બનાવટની ભ્રામક અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે અને તેને Meesho જેવા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા વેચી રહ્યા છે. આવા તત્વોને પકડી પાડવા માટે તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
સુરતમાં ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ
સુરત ખાતે કેટલાક ઇસમો કોસ્મેટિકના કોઈપણ લાયસન્સ વગર, અન્ય ઉત્પાદક પેઢીના લાયસન્સનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતા હતા. તેઓ આકર્ષક, ભ્રામક અને ગેરમાર્ગે દોરતા લેબલ લગાડીને પરફોર્મન્સ ઓઇલ, સ્ટેમીના એનર્જી ઓઇલ, બુલ મસાજ ઓઇલ ફોર મેન, લીફ્ટ અપ હર્બલ મસાજ ઓઇલ જેવી પ્રોડક્ટ્સ બનાવતા હતા. ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર મોટા પાયે જાહેરાતો કરીને Meesho જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ખોટો પ્રચાર કરી તેનું વેચાણ કરતા હતા.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ સુરતના રાજેશભાઇ ડાહ્યાભાઇ લાઠીયાના રહેણાંક મકાન પર દરોડો પાડતા પેકિંગ મટીરીયલ અને ડુપ્લીકેટ પ્રોડક્ટના ઓનલાઈન બોક્સ વિપુલ માત્રામાં મળી આવ્યા હતા. રાજેશભાઈ તેમના અન્ય ભાગીદારો સાથે મળીને ઓનલાઈન બ્રાન્ડેડ ડુપ્લીકેટ કોસ્મેટિકનું રેકેટ ચલાવી રહ્યા હતા.
કેશોદ અને ગાંધીનગરમાં પણ પર્દાફાશ
આ રેકેટના તાર કેશોદ સુધી લંબાયા હતા. તંત્રની જૂનાગઢ ટીમે કેશોદના કુલદીપ પટોળીયાના રહેઠાણ મકાનમાંથી પણ મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ કોસ્મેટિક બનાવટો ઝડપી પાડી હતી. કુલદીપ પણ Meesho પ્લેટફોર્મ પર ભાગીદારીથી આ ઉત્પાદનોનું વેચાણ કરતો હતો. તેમના ત્યાંથી બનાવટી કોસ્મેટિકના ૧૪ નમૂના પૃથ્થકરણ અર્થે મોકલી આપીને આશરે રૂ. ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુ એક કાર્યવાહીમાં, સુરતની મે. WRIXTY AYURVEDA ના માલિક કૈશિક ધર્મેશભાઇ રાદડીયા દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન મોટા પાયે બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરવાની માહિતી મળી હતી. તંત્રની ટીમોએ સુરત ખાતે દરોડો પાડી ખોટા લાયસન્સ નંબર છાપીને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ ઇસમો મુંબઈના ક્રાફ્ટ માર્કેટ અને મુસાફિરખાના જેવા માર્કેટના એજન્ટો પાસેથી લેબલ અને તૈયાર પ્રોડક્ટ લાવી પોતાના ઘરે ઉત્પાદન કરતા હતા. તેમના ત્યાંથી ૦૫ નમૂના પૃથ્થકરણ અર્થે લઈને આશરે રૂ. ૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરના પેથાપુર ખાતે પણ મે. દુલ્હન એન્ટરપ્રાઇઝના સંચાલક પ્રદીપસિંહ છત્રસિંહ સોલંકી તેઓના ઘરેથી બ્રાન્ડેડ કંપનીની ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતા મળી આવ્યા હતા. તેમના મકાનમાં ZEBA ZULF E HENNA (HENNA POWDER) અને HAIR COLOR NATURAL BLACK જેવી બનાવટી કોસ્મેટિકનું ઉત્પાદન થતું હતું. આ બાતમી મળતા ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્યની ડ્રગ ટીમો દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન M/S. EXCELL IMPEX GUJARAT PVT. LTD., અમદાવાદ અને M/S. YUTVIKA NATURAL PVT LTD, રાજસ્થાનની કંપનીની ડુપ્લીકેટ પ્રોડક્ટ્સ બનાવતા ઇસમો પકડાયા હતા. તેમના ત્યાંથી ૨ નમૂના પૃથ્થકરણ અર્થે લઈ અને આશરે રૂ. ૩૦ લાખના વેચાણનો પર્દાફાશ થયો હતો, જ્યારે દોઢ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઇસમો પેકિંગ પ્રિન્ટિંગ મટિરિયલ મે. શ્લોક ઇન્ડસ્ટ્રી, નરોડા, અમદાવાદના માલિક હિરેનભાઇ પાસેથી મેળવતા હતા અને તેનો કોઈ બિલ કે રેકોર્ડ રાખતા ન હતા.





















