સાબરકાંઠામાં બટાકા પકવતા ખેડૂતો મુશ્કેલીમાં, સુકારાનો રોગ આવતા ચિંતા વધી
હિંમતનગર તાલુકાના હડિયોલ, ગઢોડા,બોરીયા અને કાકણોલ ગામની સીમમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે.
Sabarkantha News: સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન બટાકાના પાકનું વાવેતર કર્યું હતું જેમાં સુકારાનો રોગ આવતા જિલ્લાના બાગાયત વિભાગના અધિકારીઓ ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા. બાગાયત વિભાગે ખેડૂતોની રજુઆત સાંભળી સરકાર સુધી પહોંચાડવા સાથે પાકમાં સુકારો અટકાવવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં રવિ સિઝન દરમિયાન ખેડૂતો મુખ્યત્વે ઘઉં તમાકુ અને બટાકાના પાકનું વાવેતર કરતા હોય છે. ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોએ અંદાજીત 26 હજાર હેક્ટરમાં બટાકાના પાકનું વાવેતર કર્યું છે. જોકે મોટે ભાગે ખેડૂતો બટાકાના પાક કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી કરતા આવ્યા છે. પરંતુ એક સપ્તાહ જેટલા સમયથી હિંમતનગર તાલુકાના કેટલાક વિસ્તારમાં વાવેતર કરેલા બટાકામાં સુકારાનો રોગ આવવાની લઈને ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે ખેડૂતોએ સુકારો અટકાવવા માટે અનેક પ્રકારની દવાનો છંટકાવ પણ કર્યો હતો. જોકે પરિણામ મળ્યું ન હતું. કોન્ટ્રાકટ ફર્મિંગ થકી વાવેતર થયેલ બટાકામાં ખેડૂતોએ કંપનીને નક્કી થયેલ ચોક્કસ સાઈઝનાં બટાકા વેચાણ કરવા પડતા હોય છે. પરંતુ ચાલુ સાલે બટાકાના પાકમાં આવેલ સુકારાને કારણે કંપની સાથે થયેલ કરાર પ્રમાણે બટાકાની સાઈઝ આપી શકે એમ ખેડૂતો નથી જોકે ખેડૂતોએ બાગાયત વિભાગને જાણ કરતા સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોના ખેતરમાં પહોંચી ફિલ્ડ વિઝીટ કરી હતી અને ખેડૂતોએ બાગાયત વિભાગ થકી રાજ્ય સરકારને રજુઆત પહોંચાડી છે કે નક્કી થયેલ બટાકાની સાઈઝ માં ઘટ હોય તો પણ ખેડૂતો પાસેથી કંપની બટાકા ખરીદી કરે એ માટે પણ ખેડૂતોએ રજુઆત કરી હતી.
હિંમતનગર તાલુકાના હડિયોલ, ગઢોડા,બોરીયા અને કાકણોલ ગામની સીમમાં વાવેતર કરેલા બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા બટાકાના પાકમાં એક વિધે દીઠ અંદાજિત પચાસ હજાર રૂપિયાનું ખર્ચ થતું હોય જો કે તેની સામે 500 મણ બટાકાનું ઉત્પાદન થતું હોય છે ત્યારે ચાલુ સાલે વાવેતર થયેલા બટાકામાં સુકારાનું રોગ આવતા એક વીઘા દીઠ ૨૦ હજાર રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. સાથે જ ઉત્પાદન પણ ઘટશે જે 500 મણ થતું હતું એ ઉત્પાદન 200 મણ થવાની શક્યતાઓ ખેડૂતો સેવી રહ્યા છે. આ કારણે ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતી સર્જાઈ છે. ત્યારે ખેડૂતોએ હવે બાગાયત વિભાગનો સહારો લીધો છે. બાગાયત વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતના ખેતરે પહોંચી ખેડૂતોને જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા. જો કે ખેડૂતોએ પણ સરકાર સુધી રજૂઆત પહોંચાડવા માટે બાગાયત અધિકારીને વિનંતી પણ કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાં 26,000 હેક્ટરમાં બટાકાના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે જે પૈકી હડિયોલ ગામના ખેડૂતોએ તેમના ગામની સીમમાં 80 ટકા જેટલા વિસ્તારમાં બટાકાનું વાવેતર કર્યું છે. જેમાં સુકારો લાગતા હાલતો ખેડૂતો ચિંતિત બની ચુક્યા છે અને સરકાર પાસે સહાય માટેની આજીજી કરી રહ્યા છે.