(Source: ECI/ABP News/ABP Majha)
Kutch: કચ્છ પોલીસની સરાહનિય કામગીરી, નદીમાં ફસાયેલા પાંચ લોકોને જીવના જોખમે બચાવ્યા
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ નદીમાં ફસાયેલા પાંચ લોકોને જીવના જોખમે બચાવ્યા હતા.
Kutch: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કચ્છના અંજારમાં સાડા ત્રણ ઇંચ, મુન્દ્રામાં સવા છ ઇંચ અને માંડવીમાં સવા છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં કચ્છ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી. મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇએ નદીમાં ફસાયેલા પાંચ લોકોને જીવના જોખમે બચાવ્યા હતા.
Kutch Rescue | કચ્છમાં પોલીસે જીવના જોખમે નદીમાં ફસાયેલા 5 લોકોનું કર્યું રેસ્ક્યૂ#Kutch #KutchFlood #KutchPolice pic.twitter.com/NbRpVUclCI
— ABP Asmita (@abpasmitatv) July 24, 2024
મળતી જાણકારી અનુસાર, પશ્ચિમ કચ્છ પોલીસે મુન્દ્રા તાલુકાના લુણી ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા પાંચ વ્યક્તિને જીવના જોખમે બચાવ્યા હતા. મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નિર્મલસિંહ જાડેજાએ રાતના અંધારામાં પોતાના જીવની પરવા કર્યા વિના પાંચ લોકોને બચાવ્યા હતા. પીએસઆઇ જાડેજાની હિંમતની લોકોએ પ્રશંસા કરી હતી.
કચ્છના અબડાસામાં નદીના પ્રવાહમાં તણાઇ ગાયો
નોંધનીય છે કે કચ્છના અબડાસામાં નદીના પ્રવાહમાં અનેક ગાયો તણાઇ ગઇ હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કચ્છના અબડાસાની સાંધણા નદીમાં અનેક ગાયો તણાઇ હતી. નદીના ધસમસતા પાણીમાં તણાઈને આવેલી અનેક ગાયો નદી કિનારાના કોઈ ગામમાંથી આવી હોવાની આશંકા છે. કચ્છમાં થયેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે.
કચ્છના અનેક ડેમ ઓવરફ્લો
ભારે વરસાદના પગલે મુન્દ્રા તાલુકાનું મોથાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. અબડાસાનો કંકાવટી ડેમ તેમજ માંડવીનું ઐતિહાસિક તળાવ ઓવરફ્લો થઈ ગયું હતુ. જ્યારે મથલ નદીના પૂલ પરથી પાણી પસાર થતાં રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. કચ્છમાં 6 ડેમો ઓવરફ્લો થયા હતા. અબડાસાનો કંકાવટી, બેરાચિયા, મીઠી ડેમ ઓવરફ્લો થયો હતો. તે સિવાય લખપત તાલુકાના ગજણસર ડેમ, માંડવીનો ડોણ ડેમ,મુન્દ્રાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયા હતા.
આજે પણ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે.