Bypoll Election : આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી, સુરતમાં ત્રિપાંખિયો જંગ
સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની એક બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે
સુરતઃ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 20ની એક બેઠક માટે મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. વોર્ડ નંબર 20ના કોર્પોરેટર જયેશ જરીવાલાના અવસાનથી આ બેઠક ખાલી થઇ હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે ભટારની ઉત્તર ગુજરાત શાળામાં મતદાન કર્યું હતું.
પેટા ચૂંટણીમાં ભાજપ, કોગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત 23 ઉમેદવારો વચ્ચે રસપ્રદ જંગ જામશે. કોંગ્રેસમાંથી શૈલેષ રાયકા, ભાજપમાંથી રાજેશ રાણા અને આમ આદમી પાર્ટીમાંથી મુકેશ પસિયાવાળા ચૂંટણી મેદાને છે. એક લાખ 14 હજાર મતદારો મતદાન કરશે. સવારે 11 વાગ્યે સી.આર. પાટીલ પણ મતદાન કરશે.
સિદ્ધપુર નગર પાલિકાના વોર્ડ નંબર બે માં ખાલી પડેલ ચાર બેઠકો માટે આજે પેટા ચૂંટણી માટે મતદાન થશે. સવારે 7 વાગે થી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બેઠકો માટે કુલ 10 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે જેમાં ચાર ભાજપ ,ચાર કોગ્રેસ અને બે અપક્ષના ઉમેદવારો છે.
નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપળા નગરપાલિકામાં હાલ ભાજપનું શાસન છે. જેમાં વોર્ડ 6 ભાજપનો ગઢ ગણવામાં આવે છે. હાલ તમામ સભ્યો ભાજપના જ છે. ત્યારે ભાજપના સભ્ય નામદેવ દવેના આકસ્મિક નિધન બાદ ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. નાંદોદ પ્રાંત આધિકારી શૈલેષ ગોકલાણીના નેતૃત્વમાં વહીવટી તંત્ર 2 મતદાન કેન્દ્રો કન્યા શાળા અને રાજેન્દ્ર વિદ્યાલયમાં મતદાન યોજશે. ચાર બુથો પર 3830 જેટલા મતદારો મતદાન કરશે, ભાજપ, કોંગ્રેસ,આમ આદમી પાર્ટી અને અપક્ષ આમ ચાર ઉમેદવારો વચ્ચે હરીફાઈ છે. ભાજપના પાર્થ સુભાષભાઈ જોષી ઉમેદવાર છે. કોંગ્રેસના નિવેદન તળબદા, આમઆદમી પાર્ટીના વિજયસિંહ રાઉલજી,અને અપક્ષ તરીકે પૂર્વ પાલિકા પ્રમુખ મહેશભાઈ એસ.વસાવા ચૂંટણી જંગમાં ઉમેવારો છે
ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા અને પાલિતાણા નગરપાલિકાની ૬ બેઠકની પેટા ચૂંટણી યોજાઇ રહી છે. મહુવા નગરપાલિકાની ૧ બેઠક અને પાલિતાણાની પ બેઠકનો સમાવેશ થાય છે. મહુવા પાલિકાની ૧ બેઠક જીતવા ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટક્કર છે. પાલિતાણાની પ બેઠક જીતવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. મહુવામાં ૭ અને પાલિતાણામાં ૧૪ મળી કુલ ર૧ મતદાન મથક પર મતદાન ચાલી રહ્યું છે.