શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
Gir Somnath earthquake: તાલાલામાં આજે ભૂકંપના આંચકા (Tremors) નો સિલસિલો સવારથી જ શરૂ થઈ ગયો હતો.

Gir Somnath earthquake: વર્ષ 2025 વિદાય લઈ રહ્યું છે ત્યારે ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રૂજી ઊઠી છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના તાલાલા પંથકમાં આજે કુદરતનો કોપ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં એક પછી એક ભૂકંપના (Earthquake) કુલ 4 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો સિલસિલો: બપોરે પણ ધરા ધ્રૂજી
તાલાલામાં આજે ભૂકંપના આંચકા (Tremors) નો સિલસિલો સવારથી જ શરૂ થઈ ગયો હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા મુજબ, સૌથી પહેલો અને મુખ્ય આંચકો સવારે 6:07 વાગ્યે અનુભવાયો હતો, જેની તીવ્રતા (Magnitude) 3.2 નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 18 km દૂર હરિપુર ગીરના જંગલમાં હતું. હજુ તો લોકો આ આંચકામાંથી બહાર આવે ત્યાં જ માત્ર 7 મિનિટ બાદ એટલે કે 6:14 વાગ્યે 2.2 ની તીવ્રતાનો બીજો આફ્ટરશોક (Aftershock) આવ્યો હતો.
ત્યારબાદ સવારે 10:05 વાગ્યે ત્રીજો આંચકો અને બપોરે 2:32 વાગ્યે 2.7 ની તીવ્રતાનો ચોથો આંચકો અનુભવાયો હતો. બપોરે આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 24 km દૂર નોંધાયું હતું.
ઊંઘમાં સૂતેલા લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડ્યા
વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો ગાઢ નિદ્રામાં હતા, ત્યારે જમીન ધ્રૂજવા લાગતા લોકો સફાળા જાગી ગયા હતા. તાલાલા મામલતદાર કચેરીના જણાવ્યા મુજબ, આંચકાની અસર આશરે 4 થી 5 સેકન્ડ સુધી રહી હતી. સતત આવતા આંચકાઓને કારણે લોકો ભયભીત થઈને રસ્તા પર આવી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના કે નુકસાનના સમાચાર નથી.
કચ્છ (Kutch) બાદ હવે સૌરાષ્ટ્રમાં (Saurashtra) ફોલ્ટ લાઈન સક્રિય?
ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ભૂકંપીય ગતિવિધિઓ (earthquake Activity) તેજ બની છે. હજુ 26 ડિસેમ્બરના રોજ કચ્છના (Kutch) રાપરમાં છેલ્લા 5 વર્ષનો સૌથી શક્તિશાળી 4.6 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. રાપરમાં એક જ દિવસમાં 8 જેટલા આફ્ટરશોક્સ આવ્યા હતા. ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, કચ્છમાં 'નોર્થ વાગડ ફોલ્ટ લાઈન' અને ગીરના જંગલોની પથરાળ જમીનની નીચે આવેલી પ્લેટોમાં હિલચાલ થવાને કારણે આ 'સિસ્મિક એક્ટિવિટી' (Seismic Activity) જોવા મળી રહી છે. ગીરનો (Gir Somnath) વિસ્તાર પણ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ઝોનમાં આવે છે.





















