(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Biporjoy: વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓની ખૂબ જ સરાહનીય કામગીરી, આ તસવીરો તમારુ દિલ જીતી લેશે
ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે.
ગાંધીનગર : રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસકર્મીઓએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ખૂબ જ સરસ કામગીરી કરી છે. પોલીસકર્મીઓ અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ થયા તેને જાતે જ કામ કરી રસ્તાઓને ફરી ચાલુ કરાવ્યા છે. પોલીસકર્મીઓની આ ખૂબ જ સરસ કામગીરીની તસવીરો પણ સામે આવી છે.
હળવદ પોલીસની કામગીરી
હળવદ-મોરબી હાઈવે પર શિરોઈ ગામ પાસે વૃક્ષ ધરાશાયી થવાના કારણે રસ્તો બંધ થયો હતો. રસ્તો બંધ હોવાની જાણ હળવદ પોલીસ સ્ટાફને થતા તેમણે રસ્તા પરથી વૃક્ષને હટાવી રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. હળવદ પોલીસની આ તસવીર વાયરલ થઈ છે.
પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા
માંડવીના દુર્ગાપુરના વાડી વિસ્તારમાં કમરડુબ પાણીમાં ફસાયેલા 16 લોકોને માંડવી પોલીસે રેસ્ક્યુ કર્યા હતા. વાડી વિસ્તારમાં ગાડી જઈ શકે એમ ન હોય પોલીસે બે કિલોમીટર પગે ચાલી પાણીમાંથી લોકોને બહાર કાઢ્યા હતા. તમામ પરિવારના લોકોને દોરડા અને અન્ય સાધનોની મદદથી મુખ્ય રોડ સુધી લઈ આવી હતી. તમામ લોકોને સલામત શેલ્ટર હોમ સુધી પહોંચાડ્યા હતા.
પોલીસકર્મીઓએ વૃક્ષો કાપી રસ્તો ફરી ચાલુ કરાવ્યો
બિપરજોય વાવાઝોડાની અસરને લઈ જામકંડોરણામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. જામકંડોરણામાં ભારે પવન ફૂંકાતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. ધોરાજી- જામકંડોરણા વચ્ચે ભારે પવન ફૂંકાતા રોડ ઉપર વૃક્ષો ધરાશાયી થયા હતા. જામકંડોરણા પોલીસકર્મીઓએ વૃક્ષો કાપી રસ્તો ફરી ચાલુ કરાવ્યો હતો. પોલીસકર્મીઓએ ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે.
મહિલા પોલીસકર્મીઓની સરાહનીય કામગીરી
મોરબીમાં મહિલા પોલીસકર્મચારીઓએ પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો છે. મહિલા પોલીસકર્મી વૃદ્ધાને પોતાના ખભા પર બેસાડી સલામત સ્થળે લઈ જઈ રહ્યા છે.
કચ્છથી એક માઠા સમાચાર સામે આવ્યા હતા. પોલીસ જવાનનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું છે. જખૌ મરીન પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.ઓ અનિલ જોશીનું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.