(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જૂનિયર-સિનિયર ક્લાર્કની ભરતીને લઈ મોટા સમાચાર, જાણો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર અને સિનિયર ક્લાર્કની ભરતીમાં ફરી વધારો કર્યો છે.
ગાંધીનગર : સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જૂનિયર ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની ભરતીમાં જગ્યાનો વધારો કર્યો છે. કુલ 352 જગ્યાનો વધારો કરવામાં આવ્યો છે.
ઓફિસ આસિસ્ટન્ટની 12 જગ્યાનો વધારો કરાયો છે. અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્કની 340 જગ્યાઓ વધારવામાં આવી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હવે 5202ના બદલે 5554 જગ્યા ઉપર ભરતી કરશે. ફી ભરવાની સમય મર્યાદા 2 દિવસ વધારવામાં આવી છે. ઓનલાઇન એપ્લિકેશન કન્ફર્મ થયેલી છે તે ઉમેદવારો 6 અને 7 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન ફી ભરી શકશે.
ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 20 કેડર માટે ભરતી યોજાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફી ભરવાની મુદ્દત લંબાવવા બાબતે પત્રમાં લખવામાં આવ્યું છે કે, જાહેરાત અંતર્ગત ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ: ૦૨.૦૨.૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધી નિયત કરવામાં આવેલ હતી. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની તારીખ પુર્ણ થયા બાદ પણ ઘણાં ઉમેદવારોએ નિયત પરીક્ષા ફી ભરી શક્યા નથી તેવું મંડળને ધ્યાને આવેલ છે. ઉપરાંત ટેકનીકલ કારણોસર ઉમેદવારો ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકેલ ન હોવા અંગેપણ ઘણાં ઉમેદવારોની રજુઆતો મંડળને મળેલ છે.
ઉમેદવારોની રજુઆતોને ધ્યાને લઈ ઉમેદવારોના હીતમાં જે ઉમેદવારો ઓનલાઈન અરજી Confirm કરેલી હોય પરંતુ ઓનલાઈન પરીક્ષા ફી ભરેલ ન હોય,માત્ર તેવા ઉમેદવારો તારીખ: ૦૬.૦૨.૨૦૨૪ થી તારીખ: ૦૭.૦૨.૨૦૨૪ (૨૩.૫૯ કલાક) સુધી ઓનલાઈન પેમેન્ટ પદ્ધતીથી પરીક્ષા ફી ભરી શકશે, તે જણાવવામાં આવે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
આ સરકારી નોકરી માટે ઉમેદવાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુશન કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત જે-તે પદ માટે આવશ્યક શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેરવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઇએ. અરજદાર પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજની ડિગ્રી સર્ટિફિકેટ કે પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
પગાર ધોરણ
સરકારી નોકરી માટેના પગાર ધોરણ પોસ્ટ અને વિભાગ અનુસાર અલગ-અલગ છે. સૌથી ઓછો પગાર માસિક 26000 રૂપિયા સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને કલેક્ટર કચેરી ક્લાર્કનો છે. તો કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ – રજિસ્ટ્રાર ગ્રેડ-1, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી પદ પસંદગી પામનાર ઉમેદવારને 49600 રૂપિયા માસિક પગાર મળશે. નિમણુંક થનાર ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.