ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.

- ગુજરાત સરકારે એક વર્ષ માટે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂક્યો.
- આ પ્રતિબંધ ૫ ઓગસ્ટથી અમલમાં, કડક કાર્યવાહી કરાશે.
- ગ્રાહકોના સ્વાસ્થ્ય સુરક્ષા અને ભ્રામક પ્રવૃત્તિ અટકાવવા નિર્ણય.
ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીરના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લેવાયેલા પનીરના નમૂનાઓના આધારે લેવાયેલા આ નિર્ણયનો અમલ 5 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે. સરકારના જણાવ્યા મુજબ, નિયમોનો ભંગ કરનાર સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યભરમાં કડક અમલ
સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, 5 ઓગસ્ટથી આગામી એક વર્ષ સુધી રાજ્યમાં એનાલોગ પનીર પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં રહેશે. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા એનાલોગ પનીરનું વેચાણ, વિતરણ અથવા સંગ્રહ કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કાર્યવાહી
કમિશનર ઑફ ફૂડ સેફ્ટીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિશેષ ચકાસણી અભિયાન ચલાવવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ, ઉત્પાદકો અને વિતરકો સામે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ મુજબ કડક પગલાં લેવામાં આવશે.
નમૂનાઓની તપાસ બાદ નિર્ણય
રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પનીરના નમૂનાઓ એકત્ર કરીને તેની તપાસ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ગ્રાહકોના આરોગ્યને પ્રાથમિકતા
સરકારનું કહેવું છે કે ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં સતત ચેકિંગ કરવામાં આવશે અને પ્રતિબંધનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવશે.
આ પણ વાંચો- ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ: આરોગ્ય મંત્રીની સ્પષ્ટતા, નિયમ ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી
ABP અસ્મિતા સાથે વાતચીત દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે આ નિર્ણયનો મુખ્ય હેતુ ગ્રાહકોને ભ્રમિત કરતી પ્રવૃત્તિઓને અટકાવવાનો અને લોકોના આરોગ્યનું રક્ષણ કરવાનો છે. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર નાગરિકોને સુરક્ષિત, ગુણવત્તાયુક્ત અને અસલી ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.
સરકારે ચેતવણી આપી છે કે, જે કોઈ વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર આ પ્રતિબંધનો ભંગ કરશે તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.






















