Gujarat Corona Cases: ગુજરાતમાં સળંગ પાંચમા દિવસે કોરોનાથી એક પણ મોત નહીં, જાણો આજે કેટલા નોંધાયા કેસ
Gujarat Corona Cases Update: રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ ૭, સુરત શહેરમાંથી 3, વડોદરા શહેરમાંથી 3, ગીર સમોનાથ, જામનગર કોર્પોરેશન, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.આમ, દૈનિક કેસના ૫૦%થી વધુ માત્ર અમદાવાદ-સુરતમાંથી નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૭ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.
અત્યાર સુધીમાં કુલ કેટલા દર્દી સાજા થયા
રાજ્યમાંથી વધુ 28 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,830 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે. રાજ્યના ૧૦ જિલ્લા એવા છે જ્યાં હવે કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી અને તેમાં અરવલ્લી, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, મોરબી, નર્મદા, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને પંચમહાલનો સમાવેશ થાય છે.
કેટલા લોકોને અપાઈ રસી
રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,24,168 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,79,56,872 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે 63 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 10172 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 34610 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 159960 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 93,157 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 26,206 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
મ્યુકરના દર્દીને આંખમાં ઈન્ફેકશન લાગ્યા બાદ દ્રષ્ટિ બચાવવી મુશ્કેલ
કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યુકરમાઇકોસિસના કેસમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો હતો. મ્યુકરમાઇકોસિસમાં જે દર્દીઓએ આંખો ગુમાવી હોય તેમના માટે ફરીથી દ્રષ્ટિ પરત મેળવવાની શક્યતા નહિવત્ હોવાનો ડોક્ટરોએ મત રજૂ કર્યો છે. મ્યુકરમાઇકોસિસે અનેક લોકોનું જીવન દુષ્કર બનાવી દીધું છે. આ ચેપને લીધે અનેક દર્દીઓએ જડબા, દાંત, આંખો ગુમાવવાનો વારો આવ્યો છે.જોકે, નવિનતમ ઈમિડિયેટ ફંકશનલ લોડિંગ સારવારની મદદથી દર્દી એક જ સપ્તાહમાં સામાન્ય જીવન તરફ પાછો વળી શકે છે. તે આરામથી ભોજન ચાવી શકે છે, બોલવામાં પણ તેને કોઇ તકલીફ પડતી નથી અને તેના ચહેરાના દેખાવમાં પણ સામાન્ય ફેરફાર થાય છે. અલબત્ત, મ્યુકરમાઇકોસિસના ઈન્ફેક્શનથી આંખો ગુમાવી હોય તો તે દર્દી દ્રષ્ટિ પરત મેળવી શકે તેની સંભાવના નહિવત્ છે.