ગુજરાતના ગામડાંની હેલ્થ સુધરશે! ભુપેન્દ્ર પટેલ સરકારે ખોલી તિજોરી, મંજૂર કર્યા 34 નવા દવાખાના!
વસ્તીના ધોરણો ઉપરાંત અંતર અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેવાઈ, ૨૧ જિલ્લાના લોકોને મળશે લાભ.

Rushikesh Patel health announcement: રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકો માટે ઉપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે રાજ્યના ૨૧ જિલ્લાઓમાં કુલ ૩૪ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C.)ને વહીવટી મંજૂરી આપી છે. આ નિર્ણયથી રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને નોંધપાત્ર બળ મળશે અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.
આ અંગે માહિતી આપતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના નેતૃત્વ અને તેમના માર્ગદર્શન હેઠળ રાજ્યની આરોગ્ય વ્યવસ્થાઓને વધુને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આ ૩૪ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે આ કેન્દ્રો રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવશે અને સ્થાનિક લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગ્રામ્ય વસ્તીના ધોરણો અનુસાર આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવે છે. આ ધોરણો મુજબ, સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ની વસ્તી પર એક અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની વસ્તી પર એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવે છે. હાલની સ્થિતિમાં રાજ્યમાં ૨૦૧૧ની ગ્રામ્ય વસ્તીના ધોરણો પ્રમાણે કુલ ૧૪૯૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે, જે પૂરતા પ્રમાણમાં છે.
જો કે, આ વખતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપતી વખતે સરકારે માત્ર વસ્તીના ધોરણોને જ ધ્યાનમાં લીધા નથી, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને બે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને પણ મહત્વ આપ્યું છે. જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાનમાં લઈને કુલ ૩૪ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે. આના કારણે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓ સરળતાથી અને સુચારૂ રીતે પહોંચાડી શકાશે. જ્યાં વસ્તીનું ધોરણ ભલે ઓછું હોય, પરંતુ ભૌગોલિક અંતર વધુ હોવાના કારણે લોકોને આરોગ્ય સેવાઓ મેળવવામાં મુશ્કેલી પડતી હતી, તે સમસ્યા હવે દૂર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની સાથે સાથે લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ, સીનીયર ક્લાર્ક અને અન્ય જરૂરી સ્ટાફની નિમણૂંક કરવામાં આવે છે. આ નવા ૩૪ કેન્દ્રો શરૂ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની પણ નવી તકો ઊભી થશે અને લોકોને ઘરઆંગણે જ સારી આરોગ્ય સેવાઓ મળી શકશે. આ પહેલ રાજ્ય સરકારની આરોગ્ય ક્ષેત્રે લોકોની સુખાકારી માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
