માત્ર 20 રૂપિયામાં ડ્રાઇવિંગ લાયસન્સ કરી શકાશે રિન્યૂ, જાણો કોને મળવાનું રહેશે?
ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ, લાયન્સ રિન્યુઅલ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્ફોર્મેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટની સેવા ગામડાના લોકોને પોતાના જ નજીકના કેન્દ્ર પર આપવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ, લાયન્સ રિન્યુઅલ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્ફોર્મેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટની સેવા ગામડાના લોકોને પોતાના જ નજીકના કેન્દ્ર પર આપવાનો નિર્ણય લીધો છે. જેથી તેમને જિલ્લા મથક સુધી ધક્કા નહીં ખાવા પડે અને તેનાથી તેમનો સમય અને પૈસા બંને બચશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત સ્થિતિ ઇ-ગ્રામ સેવા મારફત આ સેવા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્ફોર્મેશન એટલે કે એસ્ટ્રેક્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ રિપ્લેસમેન્ટ એમ ચાર સેવાનો લાભ મળશે. પંચાયત કચેરીમાં ઇ-ગ્રામ કેન્દ્રો પર અરજી કરવાની રહેશે. ખૂબ નોમિનલ ચાર્જ 20 રૂપિયા આપીને સેવાનો લાભ મેળવી શકાશે. જેને કારણે જિલ્લા મથક સુધી આરટીઓ સુધી જવાનો ખર્ચ અને સમય બચી જશે. ઇ-ગ્રામ કેન્દ્ર પર બેસતાં વીસીઇ (વિલેજ કોમ્પ્યુટર એન્ટ્રોપ્રિન્યોર)ને મળવાનું રહેશે. જે 20 રૂપિયા ચાર્જ લઈને રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ સહિતની કામગીરી કરી આપશે, જેમાંથી 4 રૂપિયા ગ્રામ પંચાયતને પણ મળશે.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.
વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવથી મગફળી વેંચવા પર 2.53 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેવા સેતુના કાર્યક્રમની સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. સેવા સેતુ કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ 4 કરોડ કરૂપિયાની ખાદી ખરીદી છે. એક જ દિવસમાં 1.17 લાખ મીટર ખાદીનું વેચાણ થયું.
ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.